Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સંગીત એ વૈશ્વિક ભાષા છે અને દુનિયાને જોડે છે

એક અભ્યાસમાં સાબિત થયું: સર્વત્ર એક સમાન પેટર્ન

બોસ્ટન, તા.૨૭:  સંગીત દુનિયાભરની એક વૈશ્વિક ભાષા છે આ એક અભ્યાસમાં આ સાબિત થયું છે. શોધકર્તાઓનું કહેવું છે કે, દરેક ક્ષેત્રનું સંગીત એક બીજા સાથે જોડાયેલ હોય છે. આ જોડાણ વ્યકિતઓના ભાવનો હોય છે. તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં જૂદી જૂદી ભાષાઓ અને જાતિ સમુહોના ગીત અને સંગીત એકસમાન વ્યવહાર પેટર્ન દર્શાવે છે. આના દ્વારા એ જાણી શકાયું છે કે, માનવ સંસ્કૃતિ દરેક જગ્યાએ સમાન મનોવૈજ્ઞાનિક ભાવોથી નિર્મિત છે.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં પ્રથમ વખત વિશ્વના જૂદા જૂદા સ્થળો અને સમૂહોના ગીત સંગીતના પ્રકારોમાં સમાનતા અને અંતરનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ અભ્યાસમાં સમગ્ર વિશ્વના ૩૦૦થી વધુ સમાજોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગીતો અને લોકગીતો પર કરવામાં આવેલા ૧૦૦થી વધુ અભ્યાસોને પણ આવરી લેવામાં આવ્યા. અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ  વિશ્વભરમાં ત્રીસ અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં ફેલાયેલી ૬૦ સંસ્કૃતિઓના લગભગ ૫૦૦૦ ગીત રેકોર્ડ કર્યા.

આ સાથે જ શોધકર્તાઓએ અલગ અલગ સંસ્કૃતિઓના લોક ગીતોની ગાયનની અવધિ, સંગીતના સાધનનો ઉપયોગ વગેરેની પણ જાણકારી મેળવી. અભ્યાસમાં જાણવા મળ્યું કે, સમાજોમાં સંગીત શિશુ દેખભાળ, આરોગ્ય, નૃત્ય, પ્રેમ, શોક અને યુદ્ઘ જેવા વ્યવહારો સાથે જોડાયેલ છે. શોધકર્તાઓ અનુસાર આ વ્યવહાર જૂદા જૂદા સમાજો વચ્ચે સમાન મળતો આવે છે.

લોરી, નૃત્ય ગીત, પ્રેમ અને ઉદાસીના ગીતોની તપાસ કરતા જાણવા મળ્યું કે, સમાન ભાવોને રજૂ કરતા ગીતોમાં સંગીતની વિશેષતાઓ એકબીજા સાથે મળતી આવે છે. આ અભ્યાસના સહ લેખક નવીર સિંહે કહ્યું કે લોરી અને નૃત્યના ગીત સર્વવ્યાપી છે અને એ અમુક હદ સુધી રુઢ પણ છે. તેમણે જણાવ્યું કે, નૃત્યના ગીત અને લોરી એક બીજાથી બિલકુલ અલગ પણ હોય છે. એક બાળકને સુવડાવવા માટે કામ આવે છે તો બીજુ ઉર્જાનો સંચાર વધારે છે. આ ગીત સંગીતની વિશાળ રેન્જને પ્રદર્શિત કરે છે. મનવીરના અનુસાર જૂદા જૂદા સમાજો દ્વારા નિર્મિત સંગીતમાં રહેલી વિશિષ્ટ સમાનતા એ વાતનું પ્રમાણ છે કે, દરેક સ્થળે માનવ સંસ્કૃતિનું નિર્માણ સામાન્ય મનોવૈજ્ઞાનિક ભાવો દ્વારા થયું છે. એટલા માટે સંગીતને સમગ્ર વિશ્વની ભાષા કહેવામાં કંઈ ખોટુ નથી.

(12:03 pm IST)