Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરાઇ

અમરેલી, તા.૨૭:આજ રોજ ભારતીય બંધારણને ૭૦ વર્ષ પુરા થયા છે ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાની જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત, શૈક્ષણિક સંકુલો અને વિવિધ સંસ્થાઓ સહિતની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય બંધારણને તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર હતા. ભારતનું બંધારણ દ્યડવામાં ડો. બાબા સાહેબનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું અને લિખિત બંધારણ છે. ભારતીય બંધારણમાં ભારતના લોકો, સાર્વભૌમિકતા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ,  લોકતાંત્રીક, ગણતંત્ર, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતાનો જેવા મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. આમુખને ભારતીય બંધારણનું પરિચય પત્ર ગણવામાં આવે છે. આમુખ સર બી.એન.રાવે તૈયાર કર્યું હતું. આમુખ તથા બંધારણના મુળ પાનાઓની ડિઝાઈન વિખ્યાત ચિત્રકારશ્રી રામમનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી હતી. આમુખનું સુલેખન પ્રેમબિહારી રાયજાદાએ કર્યું હતું.

ચાલુ વર્ષે બંધારણીય દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે બંધારણ અને મૂળભુત ફરજો વિષય પર તા. ૨૬/૧૧/૧૯ થી તા. ૧૪/૪/૨૦૨૦ (ડો. બી. આર. આંબેડકર જન્મ જયંતિ) દરમિયાન કેમ્પેઇન કરવામાં આવશે. પ્રજાજનોમાં બંધારણીય ફરજો વિશે જાગૃતિ કેળવાય અને સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓ વિશે પ્રજાજનો માહિતગાર થાય તે માટે આ કેમ્પેઇન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

લશ્કરી ભરતી મેળામાં પાસ થયેલા ઉમેદવારો જોગ

અમરેલીઃ ગત ૪ નવેમ્બરના જામનગર ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં મેડિકલ ટેસ્ટમાં પાસ થયેલા તેમજ એડમિટ કાર્ડ મેળવેલા અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે બિન-નિવાસી તાલીમ ૭ દિવસમાં શરુ કરવાનું આયોજન હોવાથી ઉચ્છુક ઉમેદવારોએ નોંધણી કાર્ડ તથા એડમિટ કાર્ડની ઝેરોક્ષ લગાવી અમરેલી રોજગાર કચેરીને ૭ દિવસમાં અરજી કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:54 am IST)