Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બેંકની ભુલના કારણે કચ્છના અઢી હજાર ખેડૂતો પાક વીમાથી વંચિત

સ્ટેટ બેંકની ભચાઉ, સામખીયાળી, લાકડીયા શાખા અને વીમા કંપની વચ્ચેના ગોટાળાનો ભોગ બન્યા, બેંકે વીમાના પૈસા વસૂલ્યા પણ પછી શું થયું?

ભુજ,તા.૨૭: ભચાઉ પંથકના અઢી હજારથીયે વધુ ખેડૂતોના એરંડાના પાકને તાજેતરમાં પડેલા માવઠાને કારણે ૯૦ %થીયે વધારે નુકસાન થયું છે. સમગ્ર ફસલ નિષ્ફળ જતાં આ ખેડુતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપની પાસે વળતર માંગ્યું હતું.

જોકે, વીમા કંપનીના જવાબે ખેડૂતોને ચોંકાવી મુકયા હતા. વીમા કંપનીએ ખેડૂતોને પાક વીમા ની તેમની રકમ ન ભરાઈ હોવાનું જણાવીને વીમો ચૂકવવામાંથી હાથ ખંખેરી લીધા હતા. પણ, ખેડૂતો માટે વીમા કંપનીની વાત આદ્યાતજનક રહી છે, કારણકે, તેમના દ્વારા સ્ટેટ બેંક મારફતે વીમાની રકમ ચુકવવામાં આવી છે.

સ્ટેટ બેંક ભચાઉ, સામખીયાળી અને લાકડીયા શાખા દ્વારા ખેડૂતોની પાક વીમાની કપાયેલ રકમની નોંધ ખેડૂતોની બેંકની પાસબુકમાં નોંધાયેલી છે. જોકે, મૂળ ગોટાળો બેંક અને વીમા કંપની વચ્ચે સર્જાયો છે, વીમા કંપનીને પાક વીમાની રકમ બેંકે ચૂકવી નથી, પણ આ ભૂલનો ભોગ ખેડૂતો બન્યા છે. કચ્છ જિલ્લા ખેતીવાડી કચેરીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.

ખરેખર સ્ટેટ બેંક જેવી દેશની જવાબદાર બેંકે આ કિસ્સામાં કર્મચારીઓની બેદરકારીની તપાસ કરી પગલાં લેવા જોઈએ.  ગ્રાહકોની નાની અમથી પણ ભૂલ.નહીં ચલાવતી બેંકો દ્વારા અઢી હજાર ખેડૂતોને પડેલ મુશ્કેલી ખૂબ જ ગંભીર વાત છે અને બેંકિંગ વ્યવસ્થાની સામે સવાલ સર્જે છે.

(11:37 am IST)