Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભાણવડ પંથકમાં રોજેરોજ સાપ નીકળતા લોકોમાં ભયની લાગણી

કોરોનાથી તો મરતા મરશે કોબ્રાથી માણસો મરી જશે!! : એનીમલ લવર્સ ગૃપના સ્વયંસેવકોને સાપ પકડવા જવા પાસ આપવા માંગ

 ખંભાળીયા તા.૨૭ : હાલ સમગ્ર ગુજરાત તથા દેવભૂમી દ્વારકા જિલ્લામાં લોકઆઉટની સ્થિતિ છે ત્યારે કોરોનાના રોગથી નહી પણ કોરોનાના બદલે કોબ્રાથી માણસ મરે તેવી સ્થિતિ દ્વારકા જિ.ના ભાણવડ પંથકમાં થઇ છે.

રોજના પાંચ-સાત સાપ નીકળે છે!

ભાણવડ વિસ્તારમાં બરડો ડુંગર નજીક હોય ભાણવડ તથા આસપાસના ગામડાઓમાં રોજ પાંચ સાત વિવિધ સાપો નીકળે છે જેમાં કોબ્રા સૌથી વધુ હોય છે અત્યાર સુધી એનીમલ લવર્સ ગૃપના સ્વયંસેવકો ફોન કરે તો સાપ નું રેસ્કયુ કરીને મદદરૂપ થતા પણ હવે લોકઆઉટમાં તેમને બહાર નીકળવા પ્રશ્નો ઉભા થતા હોય તેઓ ન નીકળી શકતા ગંભીર પ્રશ્નો થયા છે.

બે દિવસ પહેલા એક ભાઇના ઘેર ભાણવડમાં સાપ નીકળેલ બહારથી બારણુ બંધ થઇ જતા ૬ કલાક સુધી તે નાગદેવતા અને મહાદેવનો જાપ કરતો બેઠો રહેલ બાદમાં સાપ પકડનારે રેસ્કયુ કરી બચાવેલ હતો. ગઇકાલે એક ઘરમાં કોબ્રા નીકળતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સ્નેક કેચર માટે પાસ આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખંભાળીયાના અગ્રણી હિતેશભાઇ આચાર્યએ તંત્રને રજૂઆત કરી છે.

(11:40 am IST)