Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવથી લોકો અકળાયા

વહેલી સવારથી જ બફારોઃ બપોરે મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નજીક પહોંચતા રસ્તાઓ સુમસામ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર અસહ્ય ઉકળાટ સાથે લોકો પરેશાન થઇ રહ્યા છે અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી આસપાસ પહોંચી જતા રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

જુનાગઢ

 જૂનાગઢ : જૂનાગઢ સહિત સોરઠમાં હિટવેવથી લોકો પરેશાન થઇ ગયા છે. સવારથી જ આકાશમાંથી અગન વર્ષા શરૂ થઇ જતા અબોલ જીવો પણ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

રવિવારથી જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોમાં તાપમાન સતત વધી રહ્યુ છે. ગઇકાલે ૩૯.૯ ડીગ્રી તાપમાન રહેતાં યલો એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે અને લોકોને ડિહાઇડ્રેશન નિવારવા વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

કાળઝાળ ગરમીથી બપોરનાં સમયે બજારોમાં સ્વંયભુ કફર્યુ છવાય જાય છે. જયારે માર્ગો સુમસામ થઇ જાય છે.

આજે સવારે રપ.પ ડીગ્રી લઘુતમ તાપમાનની સાથે આકાશમાંથી અગન વર્ષા શરૂ થઇ ગઇ છે અને છેલ્લા બે દિવસની માફક આજે પણ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ રહેવાની શકયતા નકારી શકાતી નથી.

આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા રહ્યુ હતું.

જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૧ કી.મી.ની રહી હતી. હજુ આગામી ૩૬ કલાક દરમ્યાન હિટવેવ રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે અને લોકોને બપોરનાં સમય ઘરમાં જ રહેવા જણાવાયુ છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩૬.પ, લઘુતમ ર૦.૬, ભેજ પ૭ ટકા, પવન ૬.૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:59 am IST)