Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પોરબંદર લોકસભા બેઠકમાં હાર જીતમાં સૌથી વધુ માર્જીન ૨૦૧૪માં ૨.૬૭ લાખ મતો

મતદારોની સંખ્યામાં ઉતરોતર વધારો : ૧૯૭૭માં લોકસભાની બેઠક અસ્તિત્વમાં આવી ત્યારે ચૂંટણીમાં ૫૨.૬૦ ટકા મતદાન થયેલ

પોરબંદર તા.૨૭ : ચૂંટણીપંચ દ્વારા ૧૦ માર્ચના રોજ ૧૪ મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ૨૮ માર્ચથી ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે ત્યાંથી લઇ ૨૩ એપ્રિલનાં રોજ મતદાન અને ૨૩ મે ના રોજ મત ગણતરી સાથે ૨૭ મે ૨૦૧૯ ના રોજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. સમગ્ર ભારતમાં ચૂંટણી યોજવી એ ખુબ મોટું ભગીરથ કાર્ય છે. લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે.

સમગ્ર પ્રક્રિયા વચ્ચે ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૧૧-પોરબંદર લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલનાં રોજ મતદાન થશે. ત્યારે ૧૯૭૭માં પોરબંદર લોકસભા બેઠક અસ્તીત્વમાં આવી ત્યારથી ૨૦૧૪ સુધી આ બેઠક પર ૧૧ નીયમીત ચૂંટણી સાથે ૨૦૧૩માં પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બધી જ ચૂંટણીની આંકડાકીય બાબતો રસપ્રદ છે. મતદારોથી લઇ મતદાન ટકાવારી અને પક્ષ – ઉમેદવારોની ચૂંટણીની હારજીતનાં લેખા જોખા પર નજર દોડાવીએ ત્યારે મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે પણ આ સમગ્ર પ્રક્રિયા સરળ નથી તેવુ લાગ્યા વગર ના રહે. પરંતુ ચૂંટણીતંત્રની સજ્જતા એક – એક બાબતનુ માર્ગદર્શન ચૂંટણી સાથે સંકળાયેલા કર્માચારીઓને સતત તાલીમથી વધુ સમુસુતરૂ પાર પડે છે અને અંતે લોકશાહીનો અને મતદારોનો વિજય થાય છે.

૧૯૭૭માં પોરબંદર લોકસભા બેઠક અસ્તીત્વમાં આવી ત્યારે ૬ ઠી લોકસભા માટે ચૂંટણી યોજાઇ હતી ૧૯૭૭માં ૭૨૦ મતદાન મથકો પર ૨,૬૨,૩૯૬ પુરૂષ અને ૨, ૬૨,૮૮૯  સ્ત્રી મતદારો એમ કુલ ૫,૨૫,૨૮૫ મતદારો પૈકી ૧,૪૯,૯૭૨ પુરૂષ અને ૧,૨૬,૩૨૩  સ્ત્રી એમ કુલ ૨,૭૬,૨૯૫ મતદારોએ મતદાન કર્યુ હતું. અર્થાત ૫૨.૬૦ ટકા મતદાન થયુ હતુ તે પૈકી ૮૨૧૮ મત રીજેકટ થયા હતા તા.૧૬/૩/૧૯૭૭નાં રોજ મતદાન થયુ હતું ત્યારે પ્રત્યેક પોલીંગ સ્ટેશન દીઠ સરેરાશ ૭૨૯ મતદારો હતા. આ ચૂંટણીમાં બી.એલ.ડી. ના ઉમેદવાર ધરમશીભાઇ ડાહયાભાઇ ને ૧,૪૩,૨૫૨ અને આઇ.એન.સી. ના ઉમેદવાર ધામી રમણીકભાઇને ૧,૧૮,૮૨૩ મત મળતાં બી.એલ.ડીના ઉમેદવાર ૨૪,૪૨૯ મત થી વિજેતા થયા હતા.

૧૯૭૭ બાદ ૧૯૮૦માં ૭મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં પોરબંદર બેઠક પર ૨,૯૫,૭૪૨ પુરૂષ અને ૨,૯૩,૨૯૪  સ્ત્રી એમ કુલ ૫,૮૯,૦૩૬ મતદારો પૈકી ૧,૬૫,૪૨૩ પુરૂષ અને ૧,૨૪,૮૬૧  સ્ત્રી મતદારો એમ કુલ ૨,૯૦,૨૮૪ મત પડ્યા હતા. ૪૯.૨૮ ટકા મતદાન થયુ હતું. ૭૮૨ પોલીંગ સ્ટેશન પર સરેરાશ ૭૫૩ મતદારો હતા ૧૯૮૦ની ચૂંટણીમાં આઇ.એન.સી(આઇ)નાં ઓડેદરા માલદેવજીભાઇ ને ૧,૬૨,૭૨૧ અને જે.એન.પી.ના ઉમેદવાર પટેલ ધરમસીભાઇને ૧,૦૨,૪૧૩ મત મળતા આઇ.એન.સી (આઇ)નાં ઉમેદવાર ૬૦,૩૦૮ મતથી વિજેતા થયા હતા. તા.૩/૧/૧૯૮૦નાં રોજ મતદાન થયુ હતું.

૧૯૮૪માં ૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં પોરબંદર બેઠક પર ૩,૪૬,૪૬૮ પુરૂષ અને ૩,૪૬,૬૧૯  સ્ત્રી એમ કુલ ૬,૮૧,૦૮૭ મતદારો પૈકી ૧,૯૯,૧૬૩ પુરૂષ અને ૧,૫૧,૪૨૨  સ્ત્રી એમ કુલ ૩,૫૦,૫૮૫ મત પડ્યા હતા. ૫૧.૪૦ ટકા મતદાન થયુ હતુ. ૭૨૫૩ મત રદ થયા હતા. ૮૬૦ મતદાન મથકો હતા અને પ્રત્યેક મતદાન મથક પર સરેરાશ ૭૯૧ મતદારો હતા. આ ચૂંટણીમાં આઇ.એન.સીનાં ઉમેદવાર ઓડેદરા ભરતભાઇને ૨,૦૫,૨૬૨ અને બી.જે.પીના ઉમેદવાર અમીન રામદાસભાઇને (આર.કે.અમીન) ૧,૨૭,૩૧૧ મત મળતા આઇ.એન.સી.ના ઉમેદવાર ૭૭,૯૫૧ મતથી વિજેતા થયા હતા. આ ચૂંટણીમાં ૯,૨૫૩ એટલે કે ૨.૬૪ ટકા મત રીજેકટ થયા હતા. તા. ૨૪/૧૨/૧૯૮૪નાં રોજ મતદાન થયુ હતું.

૧૯૮૯માં ૯મી લોકસભા માટે સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં ૪,૩૩,૬૦૬ પુરૂષ અને ૪,૧૦,૪૬૧ મતદારો પૈકી ૨,૦૫,૦૭૫ પુરૂષ અને ૧,૫૯,૨૮૪  સ્ત્રી એમ કુલ ૩,૬૪,૩૫૯ મતદારોએ મતદાન કર્યુ હતું. ૪૩.૧૭ ટકા મતદાન ૧૦૦૪ મતદાન મથક પર થયુ હતું. એવરેજ મતદારો પ્રત્યેક પોલીંગ સ્ટેશન પર ૮૪૦ હતા. તા.૨૪/૧૧/૮૯નાં રોજ મતદાન થયુ હતું. આ ચૂંટણીમાં જેડીના ઉમેદવાર મણવર બળવંતભાઇને ૧,૯૮,૦૫૮ અને આઇ.એન.સી. નાં ઉમેદવાર ઓડેદરા ભરતભાઇને ૧,૩૦,૬૮૯ મત મળતા જેડીના ઉમેદવારને ૬૭,૩૬૯ મતથી વિજેતા થયા હતા. ૮૮૮૭ મત રીજેકટ થયા હતા.

૧૯૯૧માં ૧૦મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં પોરબંદર બેઠક પર ૪,૩૮,૩૩૩ પુરૂષ અને ૪,૧૪,૭૬૩ મહિલા એમ કુલ ૮,૫૩,૦૯૬ મતદારો પૈકી ૨,૧૮,૨૧૮ પુરૂષ અને ૧,૪૯,૨૧૨ મહિલા મતદારો મળી કુલ ૩,૬૭,૪૩૦ મત પડ્યા હતા. ૪૩.૦૭ ટકા મતદાન થયુ હતું. ૧૦૧૧ મતદાન મથક પર ૮૪૪ સરેરાશ મતદારો હતા. તા.૨૬/૫/૧૯૯૧નાં રોજ મતદાન થયુ હતું. આ ચૂંટણીમાં બી.જ.પી.નાં પટેલ હરીલાલભાઇને ૧,૯૨,૮૬૯ અને જેડી(જી)નાં મણવર બળવંતભાઇને ૧,૧૩,૮૨૦ મત મળતા બી.જે.પીનાં ઉમેદવાર ૭૯,૦૪૯ મતથી વિજેતા થયા હતા ૬૯૬૭ મત રીજેકટ થયા હતા.

૧૯૯૬માં ૧૧મી લોકસભાની સમાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં પોરબંદર બેઠક પર ૪,૫૦,૭૨૫ પુરૂષ અને ૪,૩૦,૮૨૩ મહિલા અને ૨૧૦ સર્વીસ મતદારો એમ કુલ ૮,૮૧,૭૫૮ મતદારો પૈકી ૧,૮૧,૬૩૮ પુરૂષ અને ૧,૨૨,૭૧૫ મહિલા એમ કુલ ૩,૦૪,૩૫૩ મતદારોએ મતદાન કર્યુ હતું. ૩૪.૫૨ ટકા મતદાન થયુ હતું. ૧૧૬૧ મતદાન મથકો પર સરેરાશ ૭૫૯ મતદારો હતા તા.૨/૫/૯૬નાં રોજ ચૂંટણી યોજાઇ હતી મત ગણતરી તા.૮/૬/૯૬નાં રોજ થઇ હતી. આ ચૂંટણીમાં બી.જે.પી.નાં ઉમેદવાર જાવીયા ગોરધનભાઇને ૧,૭૫,૪૧૦ અને આઇ.એન.સી.નાં ઉમેદવાર ચાવડા પેથલજીભાઇને ૧,૦૦,૪૧૦ મત મળતા બી.જે.પીનાં ઉમેદવાર ૭૫૦૦૦ મતથી વિજેતા થયા હતા ૭૧૧૬ મત રદ થયા હતા.

૧૯૯૮માં ૧૨મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી જેમાં પોરબંદર બેઠક પર ૪,૫૦,૭૨૩ પુરૂષ અને ૪,૩૧,૧૦૮ મહિલા મતદારો એમ કુલ ૮,૮૧,૮૩૧ મતદારો પૈક ૨,૭૮,૬૭૦ પુરુષ અને ૨,૨૭,૦૦૦ મહિલા એમ કુલ ૫,૦૫,૬૭૦ મતદારોએ મતદાન કરતા ૫૭.૩૪ ટકા મતદાન થયુ હતું. ૧૧૬૧ મતદાન મથક પર ૭૬૦ સરેરાશ મતદારો હતા. તા.૨૮/૨/૧૯૯૮નાં રોજ મતદાન થયુ હતુ અને તા.૨/૩/૧૯૯૮નાં રોજ મતગણતરી થતાં બી.જે.પી.નાં ઉમેદવાર જાવીયા ગોરધનભાઇને ૨,૫૭,૫૧૬ અને આઇ.એન.સી.ના ઓડેદરા ભરતભાઇને ૧,૩૦,૨૮૮ મત મળતા બી.જે.પીના ઉમેદવાર ૧,૨૭,૨૮૮ મતથી વિજેતા થયા હતા. ૨૦,૯૨૯ મત રદ થયા હતા.

૧૯૯૮ બાદ તુરંત ૧૯૯૯ માં આવેલ ૧૩મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદર બેઠક પર ૪,૫૮,૮૬૩ પુરૂષ અને ૪,૩૫,૪૩૬ મહિલા એમ કુલ ૮,૯૪,૨૯૦ મતદારો પૈકી ૨,૦૩,૧૧૦ પુરૂષ અને ૧,૨૮,૮૮૪ મહિલા મતદારો એમ કુલ ૩,૩૧,૯૯૪ મતદારોએ ૩૭.૧૨ ટકા મતદાન કર્યુ હતું. ૧૧૬૧ મતદાન મથક પર ૭૭૦ સરેરાશ મતદારો હતા. તા.૫/૯/૧૯૯૯નાં રોજ મતદાન અને તા.૬/૧૦/૧૯૯૯નાં રોજ પરીણામ જાહેર થયું હતું. જેમાં આ બેઠક ઉપર બી.જે.પી.નાં જાવીયા ગોરધનભાઇને ૨,૧૦,૬૨૭ અને આઇ.એન.સીનાં બળવંતભાઇ મણવરને ૧,૦૯,૨૬૭ મત મળતા બી.જે.પીના ઉમેદવારનો ૧,૦૧,૩૬૦ મતથી વિજય થયો હતો આ ચૂંટણીમાં ૬૦૫૨ મત રદ થયા હતા.

૨૦૦૪માં યોજાયેલ ૧૪મી લોકસભા બેઠકની ચૂંટણીમાં પોરબંદર મત વિસ્તારમાં ૫,૧૨,૬૮૪ પુરૂષ અને ૪,૮૨,૩૪૩ મહિલા એમ કુલ ૯,૯૫,૦૨૭ મતદારો પૈકી ૨,૭૭,૦૨૦ પુરૂષ અને ૨,૧૩,૩૧૧ મહિલા મતદારોએ મતદાન કરતા કુલ ૪,૯૦,૩૩૧ અને ૧૬૨ પોસ્ટલ મત એમ કુલ ૪,૯૦,૨૯૩ મત પડયા હતા અને ૫૪.૧૦ ટકા મતદાન થયુ હતું. તા.૨૦/૪/૨૦૦૪નાં રોજ મતદાન થયુ હતું. અને ૧૩/૫/૨૦૦૪નાં રોજ મત ગણતરી થતા બી.જે.પી.નાં ઉમેદવાર પટેલ હરીભાઇને ૨,૨૯,૧૧૩ અને આઇ.એન.સી.નાં ઉમેદવાર વિઠ્ઠલભાઇ રાદડીયાને ૨,૨૩,૪૧૦ મત મળતા બી.જે.પી.નાં ઉમેદવાર ૫૭૦૩ મતથી વિજેતા થયા હતા. ૧૯૭૭માં પોરબંદર લોકસભા બેઠક અસ્તીત્વમાં આવી ત્યાર બાદ યોજાયેલ તમામ લોકસભા બેઠકના ચૂંટણી પૈકી આ ચૂંટણીમાં હારજીત માર્જીન સૌથી ઓછુ રહ્યુ હતું.

૨૦૦૯માં યોજાયેલ ૧૫મી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં પોરબંદર બેઠક પર ૭,૧૯,૬૨૮ પુરૂષ અને ૬,૬૬,૧૮૦ મહિલા મતદારો એમ કુલ ૧૩,૮૫,૮૧૮ મતદારો પૈકી ૩,૭૯,૮૫૨ પુરૂષ અને ૨,૮૦,૬૮૫ મહિલા અને ૧૧૬ પોસ્ટલ મતદાન એમ કુલ ૬,૬૦,૬૫૩ મત પડતા ૪૭.૬૭ ટકા મતદાન થયુ હતું. આ ચૂંટણી તા.૩૦/૪/૨૦૦૯નાં રોજ મતદાન અને તા.૧૬/૦૫/૨૦૦૯નાં રોજ મત ગણતરી થઇ હતી. જેમાં આઇ.એન.સી.નાં ઉમેદવાર વિઠ્ઠલભાઇ રાદડીયાને ૩,૨૯,૪૩૬ અને બી.જે.પી.નાં મનસુખભાઇ ખાચરીયાને ૨,૮૯,૯૩૩ મત મળતા આઇ.એન.સીનાં ઉમેદવાર ૩૯,૫૦૩ મતથી વિજેતા થયા હતા.

૨૦૦૯ બાદ ૨૦૧૩માં ૧૧-પોરબંદર લોકસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કુલ મતદારો ૧૪,૯૩,૩૨૩ મતદારો પૈકી ૪,૫૨,૫૬૦ મતદારોને મતદાન કર્યુ હતું. ૩૦.૩૦ ટકા મતદાન થયુ હતું. જેમાં બી.જે.પી.નાં વિઠ્ઠલભાઇ રાદડીયાને ૨,૮૯,૮૯૩ અને ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના  ઉમેદવાર વીનુભાઇ અમીપરાને ૧,૪૪,૩૭૦ મત મળતા બી.જે.પી.નાં ઉમેદવાર ૧,૪૫,૫૨૩ મતથી વિજેતા થયા હતા.

છેલ્લે ૨૦૧૪માં યોજાયેલ પોરબંદર લોકસભા બેઠકમાં કુલ ૧૫,૩૯,૨૨૩ મતદારો પૈકી ૮,૦૪,૪૦૬ મતદારો મતદાન કરતા ૫૨.૨૬ ટકા મતદાન થયુ હતું. તા.૩૦/૪/૨૦૧૪નાં રોજ મતદાન અને તા.૧૬/૫/૨૦૧૪નાં રોજ મત ગણતરી થતા બી.જે.પી.નાં વિઠ્ઠલભાઇ રાદડીયાને ૫,૦૬,૦૦૨ અને એન.સી.પીના ઉમેદવાર જાડેજા કાંધલભાઇને ૨,૩૮,૩૬૦ મત મળતા બી.જે.પી.નાં ઉમેદવારનો ૨,૬૭,૬૪૨ મતથી વિજેતા થયો હતો. ૧૯૭૭ થી ૨૦૧૪ સુધી થયેલા પોરબંદર બેઠકની લોકસભા ચૂંટણીમાં આ સૌથી વધુ માર્જીનથી થયેલ હારજીત હતી.

હવે વાત રહી ૨૦૧૯ની તા. ૨૩ એપ્રીલનાં રોજ યોજાનાર ચૂંટણીની જેમાં રાજકોટ જિલ્લાના ૭૩-ગોંડલ(૨,૧૬,૪૫૧), ૭૪-જેતપુર (૨,૫૮,૯૭૦), ૭૫-ધોરાજી (૨,૫૬,૧૮૩), ૮૩-પોરબંદર (૨,૪૩,૭૬૦), ૮૪-કુતિયાણા (૨,૦૫,૩૮૬), અને જૂનાગઢ જિલ્લાનાં ૮૫-માણાવદર (૨,૩૮,૪૬૯) અને ૮૮-કેશોદ (૨,૩૦,૩૯૧) મતદારો એમ કુલ ૭ વિધાનસભા બેઠકનાં ૮,૫૯,૧૩૧ પુરૂષ ૭,૯૦,૪૫૯ મહિલા ૨૦ ટ્રાન્સજેન્ડર એમ કુલ ૧૬,૪૯,૬૧૦ મતદારો ૧૮૪૯ મતદાન મથક પર મતદાન કરી ઉમેદવારનું ભાવી નક્કી કરશે, વિજેતા બનાવશે પણ એટલું ચોકકસ લોકશાહીમાં મતદારોને મતદાનની પવિત્ર ફરજ તો બજાવવી જ જોઇએ.

(11:57 am IST)