Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

હવે મહિલાઓની સુરક્ષા કરશે વીરાંગના સ્કવોડ- પશ્ચિમ કચ્છ પોલીસની નવતર પહેલ 'મિશન ખાખી' ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરનાર દિકરીઓને માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આજરોજ ભુજ પોલીસ તાલીમ ભવન ખાતે મિશન ખાખી કાર્યક્રમ યોજાયો હતો.

પશ્ચિમ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘની અધ્યક્ષતા હેઠળ યોજાએલા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈન્ટેલીજસ ઓફિસર અને મદદનીશ સબ ઈન્સ્પેકટર (હથિયાર, બિન હથિયારધારી) ની કુલ ૪૩૧ મહિલાઓની ભરતી થનાર છે. કચ્છ જિલ્લાની દિકરીઓ માટે બેટી બચાવો, બેઢી પઢાઓ સેલ અન્વયે ૫૦ ઉપરાંત દિકરીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ કચ્છ મહિલા કચેરીના ફેસબુક લાઈવ પર અન્ય ભરતી માટે અરજી કરનાર દિકરીઓએ પણ “મિશન ખાખી” કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ તકે પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘે જણાવ્યું હતું કે, “કોઇપણ જગ્યાની ભરતી માટે અરજી કરીએ ત્યારે તેનું લક્ષ્ય અને મહત્વ તેમજ ઉપયોગિતા જાણવી અગત્યનું પરિબળ છે.

સમાજમાં પ્રજા સાથે સુરક્ષા સેતુ બનાવી શકીએ. પ્રજા અને જાહેર મિલકતની રક્ષા, કાયદાનો અમલ કરાવવો એ પોલીસની કામગીરી છે. કોઇપણ ઘટના કે ગુના પીડિત પોલીસ પાસે આવે તો તેને ન્યાયનો વિશ્વાસ આપવા પોલીસ ખાતું છે. પોલીસે ઘટના કે ગુનામાં પીડિતનો વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે એમ શ્રી સિંઘે જણાવ્યું હતું.

પડકારો અને કાયદાઓની જવાબદારી વાળી આ સેવામાં શારીરિક સાથે માનસિક ક્ષમતા પણ મહત્વપૂર્ણ છે. મનમાં ધ્યેય નકકી કરી લેશો તો આવનારા પડકારોને પણ પહોંચી વળાશે એમ શ્રી સૌરભ સિઘે તેમના મનનીય ઉદબોધનમાં ઉપસ્થિતોને જણાવ્યું હતું.

મહિલાઓની સુરક્ષા માટે આજથી ભુજ શહેરમાં કાર્યરત થતી વીરાંગના સ્પેશીયલ સ્કવોડની આઠ જાંબાજ મહિલાઓને પણ શ્રી સિંઘે આ તકે બિરદાવી હતી.

જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારીશ્રી અવનીબેન રાવલે આ તકે જણાવ્યું હતું કે, “ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે તૈયારી કરનાર મહિલાઓ માટે મિશન ખાખી કાર્યક્રમ મદદરૂપ થશે. મિશન ખાખીમાં અપાતું માર્ગદર્શન અને પરીક્ષાલક્ષી તૈયારી તેમના ઉજ્જવળ ભવિષ્યની તાલીમની સોનેરી તક છે જેમાં કચ્છની મહિલાઓએ ઉત્સાહ દેખાડયો છે.

પશ્ચિમ કચ્છના ડેપ્યુટી એસ.પી.શ્રી બી.એમ.દેસાઇએ પ્રેરણાલક્ષી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સમાજમાં યુનિફોર્મનો આગવો પ્રભાવ છે. દરેકને એનું માન હોવું જોઇએ. હિમ્મત રાખો અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. સંપૂર્ણ પ્રયત્નોથી લક્ષ્ય સિધ્ધ અચૂક મળે છે.

આ તકે આર.એસ.આઇ.શ્રી એસ.એમ.ચૌહાણે ભરતીમાં શારીરિક કસોટી અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ સબ ઈન્સ્પેકટરની લેખિત કસોટી માટે માંડવીના પી.એસ.આઇ.શ્રી મયુરભાઇ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ખાખી ધારણ કરવી જ છે એ માઇન્ડ સેટ તૈયાર હશે તો અચૂક ખાખી પહેરી શકશો. મહેનત કરો.

જયારે મદદનીશ સબ ઈન્સ્પેકટરની લેખિત કસોટી અંગે માર્ગદર્શન આપતા મદદનીશ સબ ઈન્સ્પેટકરશ્રી શિવદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વારંવાર અભ્યાસ અને રીવીઝન પરીક્ષામાં મહત્વનું પરિબળ છે.

આ તકે એસ.પી.શ્રી સૌરભસિંઘે ભુજ શહેરમાં આજથી કાર્યરત થતી “વીરાંગના સ્પેશીયલ સ્કવોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ તકે કોરોના વાયરસ કોવીડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગુજરાત પોલીસ દળમાં ભરતી તૈયારી કરનાર મહિલાઓ સાથે પશ્ચિમ કચ્છ પોલીસના અને  જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મયોગીઓ તેમજ મીડીયાકર્મીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:48 pm IST)
  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • કોરોનાએ હદ વળોટી નાખી, સવા લાખ આસપાસ નવા કેસો પહોંચવા આવ્યા: બ્રાઝિલમાં ફરી આંકડો વધ્યો, ૮૨,૮૬૯એ પહોંચ્યો: અમેરિકામાં પણ કોરોના કેસ વધવા લાગ્યા ૫૮,૯૮૦: ૨૪ કલાકમાં કોરોના કેસ જર્મનીમાં ૯૬૦૦: રશિયામાં ૮૩૨૮: ફ્રાન્સમાં ૮૦૪૫: ઇટલીમાં ૭૭૬૭: કેનેડામાં ૪૨૩૯: ઇંગ્લેન્ડમાં આંકડો ખૂબ જ કાબૂમાં ૨૩૭૯, લોકડાઉનમાં મોટી છૂટછાટની તૈયારી: જાપાનમાં ૨૨૨૦: યુનાઇટેડ આરબ અમીરાત/દુબઈમાં થોડા કોરોના કેસ ઘટ્યા ૧૯૮૮: સાઉદી અરેબિયામાં ૭૯૨: ચીન ૨૪: હોંગકોંગ સાત અને ઓસ્ટ્રેલિયા સાત નવા કેસ નોંધાયા: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦ નવા મૃત્યુ: ૫૯૮૫૬ સાજા થયા access_time 10:07 am IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST