Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કેશોદના ભીખારામ હરીયાણીની હત્યામાં ઝડપાયેલા ર શખ્સો જેલ હવાલેઃ ર શખ્સોની શોધખોળ

કેશોદ તા. ૧૬ :.. અત્રેના ભિખારામ ભગવાનદાસ હરીયાણી (ઉ.૪પ) નામના બાવાજી આઘેડની થયેલ હત્યા પ્રકરણમાં મુખ્ય ૩ આરોપીને ૩ દિવસના રીમાન્ડ મળેલ છે જયારે અન્ય બે આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

ગત ગુરૂવારે ઝડપાયેલ પાંચેય આરોપીઓને ગઇકાલે આ ઘટનાના તપાસનીશ અધિકારી પીએસઆઇ એસ. આર. બાલાતએ કોર્ટ સમક્ષ રજૂ કરી આ ઘટનાની જુદી જુદી તપાસ અન્વયે પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરતા આ પ્રકરણના મુખ્ય આરોપી મનાતા રાજૂ ભામા સિંઘલ, દિવ્યેશ રામા સિંધલ અને બોધા કાના ચાવડા, ૩ દિવસ સુધી રીમાન્ડ પર રાખવા જયારે આ પ્રકરણમાં મદદગારીમાં ફસાયેલ જયસુખ ટાટમીયા અને ભાયા કરટાને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કરેલ હતો.

ન્યાયાલીયના આદેશ મુજબ ૩ આરોપીઓને રીમાન્ડ માટે સ્થાનીક પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. જયારે અન્ય ર આરોપીઓને જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે અત્રેના ચાર ચોક નજીક રેલ્વે ફાટક પાસે ધોળા દિ'એ ભીખાભાઇ બાવાજી ઉપર કુહાડી, દાતરડુ, લોખંડનો પાઇપ, હોકી જેવા હથીયારોથી હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી આરોપીઓ નાસી ગયેલ હતા બાદમાં ગણત્રીની કલાકોમાં જ બાવાજી આઘેડનું મોત નિપજતાં મરનારના પુત્રએ નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી  ગણત્રીની કલાકોમાં જ કુલ સાત પૈકીના પાંચ આરોપીને ઝડપી લીધેલ હતાં.

દરમિયાન પીએસઆઇ બાલાતના જણાવ્યા મુજબ આજથી આ પ્રકરણની તપાસ પી. આઇ. વાળાએ સંભાળેલ છે. રીમાન્ડ પર રહેલ આરોપીઓની જરૂરી પુછપરછ તથા આગળની તપાસ હાથ ધરાશે સાથે નાસતા -ફરતા રામા ભીમા સિંધલ તથા ભુપત રબારીને ઝડપવા તપાસના ચક્રોગતિમાન કરેલ છે. (પ-ર૭)

(4:33 pm IST)