Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કેશોદમાં અડધો ઇંચ : ગોંડલ, જુનાગઢ, જેતપુરમાં ઝાપટા

મેઘરાજાના આગમનની તૈયારી : કાળઝાળ ગરમીમાં લોકોને મળી ઠંડક : હવે વરસાદી જમાવટની જોવાતી રાહઃ ગાંધીનગર, સુરત, મહેસાણામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક : ભાવનગરમાં ૪૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

રાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે અને લોકોને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

જો કે પવનનું જોર યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ છવાયેલો રહે છે.

આજે સવારે ગોંડલમાં વાદળ છાંયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ પડયો હતો. જયારે ભાવનગરમાં ૪ર કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ૪ર કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાયો હતો.  દિવસભર તેજ પવન રહેતાં હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ભાવનગરમાં છેલ્લા ૧પ દિવસથી મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી ઉપર નોંધાયું હતું. પરંતુ આજે મહત્તમ તાપમાનમાં ૧ ડીગ્રીનો ઘટાડો થતાં અને દિવસભર તોફાની પવન ફુંકાતા ગરમીમાં રાહત અનુભવાઇ હતી. લોકો હવે મેઘરાજા જલ્દી પધરામણી કરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૯.૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૪૬ ટકા અને પવનની ઝડપ ૪ર કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. સવારે વાદળીયુ વાતાવરણ પણ રહ્યું હતું.

જુનાગઢ

જુનાગઢ : આજે સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે જુનાગઢમાં વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે લોકોને બફારામાંથી રાહત મળી હતી.

ગોંડલ

ગોંડલમાં પણ વાદળીયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અમદાવાદમાં વરસાદના આગમનની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે ત્યારે કાલે રાત્રે નવના સુમારે પાટનગર ગાંધીનગરમાં જોરદાર ઝાપટું પડ્યું હતુ. પરિણામે ગાંધીનગર વાસીઓને તીવ્ર ગરમીમાંથી એકંદરે રાહત મળી હતી. ગાંધીનગર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ સાધારણ વરસાદ થયાના સમાચાર સાંપડ્યા છે. ગાંધીનગરનું ઝાપટું લગભગ દસથી પંદર મિનિટ ચાલ્યું હતુ. આ સ્થિતિમાં હવે રાજયપર વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી હોય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે હજુ થોડા દિવસ મેઘ પ્રતિક્ષા લંબાય એવા અણસાર મળી રહ્યાં છે. જોકે, શુક્રવારે જેતપુર, પોરબંદરમાં ઝાપટું જયારે વેરાવળ, માણાવદર સહિતના કેટલા સ્થળે અમીછાંટણાં થયા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિજાપુર પંથકમાં પણ રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતુ.

છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ વચ્ચે રાજકોટના જેતપુર શહેરમાં સવારે જોરદાર ઝાપટું વરસી જતાં ઠંડક પ્રસરી હતી અને માર્ગો પર પાણી ફર્યું હતું. વરસાદી ઝાપટાંથી સ્થાનિકોને થોડા સમય માટે ગરમીમાંથી રાહત મળી હતી. વેરાવળના પ્રવેશદ્વારે પણ ઝાપટું વરસ્યું હતું. પોરબંદરમાં સવારે ૯.૪૫ વાગ્યે જોરદાર ઝાપટું પડતાં રસ્તા ભીના થઈ ગયા હતા. માણાવદર, કોડીનાર અને તાલાલામાં સવારે વરસાદી છાંટા પડ્યા હતા. સુરતમાં પણ કાલે રાત્રે કેટલાક વિસ્તારમાં અમીછાંટણા થયા હતા.

ઉત્તર ગુજરાતમાં મહેસાણાના દેવરાસણથી વિજાપુરના વરાઈ ડાભલા સુધીના પંથકમાં રાત્રે ૨૦ મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ચોમાસું હજુ ગુજરાતની સરહદથી ૧૨૫ કિ.મી. દૂર જ હોવાથી અને નવી કોઇ સીસ્ટમ બની નહીં હોવાથી વાવણી લાયક વ્યાપક વરસાદ પડવાને પાંચ-સાત દિવસ નીકળી જવાનું અનુમાન છે.

જામનગર હવામાન

જામનગરઃ શહેરનું તાપમાન ૩૬ મહત્તમ, ૨૮ લઘુત્તમ, ૧૭.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:41 am IST)