Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બળવાખોર જૂથ સક્રિય થતા વિરોધ પક્ષના પરેશભાઇ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસને જાકારોઃ પાલિકાની ૩ બેઠકો ઉપર ભાજપનો કબ્જો

અમરેલીઃ ગઇકાલે અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનું બળવાખોર જૂથ સક્રિય થતા ભાજપને લાભ થયો હતો અને ત્રણેય પાલિકા ઉપર ભાજપે કબ્જો જમાવી દીધો છે.

અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ પક્ષ તરફથી બાલુબેન પરમાર અને સંદીપ ધાનાણીના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 

તો બીજી તરફ સાવરકુંડલા પાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે શાસન છીનવી લીધું છે. કોંગ્રેસના ૪ સભ્યો ભાજપમાં ભળી જતા સતા ભાજપે કબજે કરી છે. આવી જ હાલત બગસરામાં પણ જોવા મળી અને કોંગ્રેસને અહી પણ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.ત્યારે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજભાઈ કાનાબારે રાજીનામુ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે યુવા કાર્યકરોને મોકો મળે તે માટે તેમણે રાજીનામું આપ્યું છે.

અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી, સાવરકુંડલા અને બગસરા ત્રણે નગરપાલિકાઓમાં સત્તા હાંસલ કરી હતી પરંતુ ગુરૂવારે ત્રણેય તેના હાથમાંથી નિકળી ગઇ. ધાનાણી અને એક અન્ય સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ દુધાતની તનતોડ મહેનત છતાં કોંગ્રેસને ત્રણેય જગ્યાએ પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી છે. 44 સભ્યોવાળી અમરેલી નગરપાલિકામાં શરૂઆતમાં કોંગ્રેસે 33, ભાજપે છ અને ત્રણ અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. 

ગુરૂવારે ચૂંટણીમાં કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 36 સભ્યોવાળી સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસની 20 અને ભાજપની ફક્ત 16 સીટો હતી પરંતુ આ વખતે કોંગ્રેસના ચાર બળવાખોર સભ્યોની મદદથી ભાજપે ઉપ પ્રમુખ પદ પર પોતાના ઉમેદવાર ભાવેશ હિંગૂને વિજેતા બનાવ્યા હતા.

અધ્યક્ષ પદ પર ભાજપની મદદથી આ બળવાખોરમાંથી એક વિપુલ ઉનાવાની જીત થઇ હતી. 28 સભ્યોવાળી બગસર નગરપાલિકામાં 14 સીટો જીતવા છતાં સત્તામાં આવી શકી આ વખતે ભાજપે બાજી મારી લીધી. કોંગ્રેસના 13માંથી એક સભ્ય ગેરહાજર રહેવાના લીધે ભાજપના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદના ઉમેદવાર ક્રમશ ચંપાબેન બાડિયા અને નીતિશ ડોડિયા જીતી ગયા હતા. 

(5:56 pm IST)