Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભુજમાં ગુરૂવારે રાહુલ ગાંધી જાહેરસભા ગજવશે

રાફેલ, ખેડૂતોના દેવા માફ, યુવાઓને નોકરી,નોટબંધી, જીએસટી, અમુક કંપનીઓના નેતા પ્રશ્ને ભાજપને પડકારશે

ભુજ, તા.૧૫:૨૦૧૯ની લોકસભાની આ ચૂંટણી કચ્છ કોંગ્રેસ માટે ફરી એકવાર પડકાર બનીને ઉભરી રહી છે. એકબાજુ ભાજપ દ્વારા મોરબી, માળીયાથી માંડીને છેક કચ્છના અંતરીયાળ વિસ્તાર સુધી ઝંઝાવાતી લોકસંપર્ક તેમ જ સ્ટાર પ્રચારકોની સભા અને વરિષ્ઠ આગેવાનોના પ્રવાસ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે. ત્યાં બીજી બાજુ કોંગ્રેસમાં ઉમેદવાર નરેશ મહેશ્વરીના ઉમેદવારીપત્ર ભરવા સમયે યોજાયેલા રોડ શો સિવાય બીજા કોઈ મોટા જાહેર કાર્યક્રમો કે સભાઓ નથી થઈ.

જોકે, ઉમેદવાર નરેશ મહેશ્વરી પોતાના ચુસ્ત ટેકેદારો ભચુભાઈ આરેઠીયા, નવલસિંહ જાડેજા, અરજણ ભુડિયા સાથે સતત પ્રવાસો કર્યા કરે છે. તો, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રવાસો થઈ રહ્યા છે. પણ, પ્રચારતંત્રની અનેક અધૂરાશો વચ્ચે કચ્છ કોંગ્રેસના સંગઠન માળખામાં સંકલનનો અભાવ તેમજ વરિષ્ઠ આગેવાનો અને નાના કાર્યકરોમાં અસંતોષનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. જોકે, હવે ૧૮ મી તારીખ ગુરુવારે ભુજમા રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન ગોઠવાઈ રહયું છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ભાજપના ગઢમાં ગાબડું પાડી શકશે કે કેમએ તો આવનારો સમય જ કહેશે. પણ, અત્યારેએ વાત નક્કી છે કે, ભુજનો રાજકીય માહોલ હવે ગરમ બની રહ્યો છે.

(11:50 am IST)