Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગોંડલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો સુજીત સેજપાલ પકડાયોઃ ઓફિસમાંથી પ.૮ર લાખની રોકડ મળી

પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ડોડીયાની શોધખોળઃ રોકડ રકમ પંટરો માટે રાખી હોવાની શંકાઃ પી.આઇ. એચ.એમ. જાડેજા તથા પી.એસ.આઇ. ડી.પી.ઝાલાની ટીમનો દરોડો

તસ્વીરમાં સટ્ટો રમતા પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે ગોંડલ પોલીસનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા.૧૧ : ગોંડલમાં જેલ રોડ ઉપર આવેલ ઓફીસમાં સીટી પોલીસે રેઇડ કરી ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્સને પ.૮ર લાખની રોકડ રકમ સહિત ૬.૦૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જયારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ દિવાળીના તહેવારો અનુલક્ષીને રૂરલ એસ.પી. બલરામ ઝાલા તથા ડી.વાય.એસ.પી.એ.ઝાલાની સુચન અન્વયે ગોંડલ સીટીના પી.આઇ. એસ.એમ. જાડેજા તથા પી.એસ.આઇ. ડી.પી.ઝાલાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.એસ.આઇ. ઝાલા, હેડ કો. યુવરાજસિંહ જાડેજા તથા જયદિપસિંહ ચૌહાણને ગોંડલમાં જેલ રોડ ઉપર જાનકી ચેમ્બર્સમાં આવેલ ખોડીયાર કૃપા એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં ડ્રીમ ૧૧ ઇન્ડીયન પ્રિમીયર લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલુ મેચમાં રનફેરનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા ત્યાં દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા સુજીત અશોકભાઇ સેજપાલ રે. અક્ષરધામ સોસાયટી શેરી નં. પ ગોંડલને મોબાઇલ ફોન નંગ-ર, રાઉટર, સેટઅપ બોકસ તથા ટીવી અને રોકડ રકમ રૂ.પ,૮ર,૦૦૦ મળી કુલ ૬.૦૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જયારે પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ડોડીયા રે. સૈનીક સોસાયટી ગોંડલનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે ઓફીસમાંથી પ્લાસ્ટીકના ઝબલામાંથી મળી આવેલ પ.૮ર લાખની રોકડ એમ પંટરોને માટે ચુકવવા રાખી હોવાની પોલીસને શંકા છે. પદુભા પકડાયા બાદ આ રોકડ રકમ અંગે સાચી હકીકત બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કાર્યવાહીમાં પી.એસ.આઇ. ડી.પી.ઝાલા સાથે પો.કો. જયસુખભાઇ ગરાંભડીયા તથા પો.કો. જયંતીભાઇ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:43 am IST)