Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2500 ગુણી મગફળીની આવક : 900થી લઇ 1200 સુધીના ભાવ બોલાયા

છેલ્લા પંદર દિવસમાં ૩૫ હજાર જેટલી મગફળીની ગુણીની આવક

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે આજે એક જ દિવસમાં 2500 ગુણી મગફળીની આવક થઈ છે. આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થતાં મગફળીનું જંગી વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પાછોતરા વરસાદને કારણે ઘણી જગ્યાએ મગફળીના પાકને વ્યાપક નુકશાન પણ થયું છે પરંતુ કેટલાક ખેડૂતોએ અગાઉથી મગફળીને ઉપાડી લીધી હતી. જેના લીધે મગફળીને ઓછું નુકસાન થયું હતું.

    ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા માટે આવી પહોંચ્યા હતા જેમાં મગફળીના 900થી લઈને ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા છે. સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2500 ગુણી મગફળીની આવક થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પંદર દિવસની અંદર ૩૫ હજાર જેટલી મગફળીની ગુણીની આવક થઈ છે ત્યારે હવે દિવસે-દિવસે આવકમાં સતત વધારો થતો રહેશે તેવું લાગી રહ્યું છે.

    બીજી તરફ સરકારે ટેકાના ભાવે મગફળીના એક હજાર અઢાર રૂપિયાની જાહેરાત કરી છે તો આ તરફ ખેડૂતોને મગફળીના વેપારીઓ પાસેથી ઊંચી કિંમત મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે અને વેપારીઓ પણ મગફળીની ગુણવત્તા સારી હોય તો ઊંચા ભાવ આપવા પણ તૈયાર થયા છે આમ માર્કેટિંગ યાર્ડમાં આ જ ભાવ રહેશે તો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે મગફળી આપવા તૈયાર થશે નહીં.

(1:56 pm IST)