Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નવા ઈન્ટરનેશનલ એરપોર્ટની જમીન સંપાદનના પ્રશ્ને સુરેન્દ્રનગર-રાજકોટ કલેકટર વચ્ચે બેઠક

વઢવાણ તા.૧૧: રાજકોટ તાલુકાના હિરાસર નજીક નવા ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીન સંપાદનની કામગીરી ઢીલમાં પડ્યાનું ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઊધડો લેતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને શુક્રવારે રાજકોટ અને સુરેન્દ્રનગર કલેકટર વચ્ચે આ મુદ્દે બેઠક યોજાનાર હોવાનું જાણવા મળે છે. હિરાસર નજીક નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ત્રણેક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા એરપોર્ટની કામગીરી ઢીલી પડતા અને જમીન સંપાદનની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલતી હોવાનું ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી ઉકળી ઉઠ્યા હતા અને આ જમીન સંપાદનની કામગીરી તાકીદે પૂરી કરવા કડક આદેશ જારી કર્યા હતા. જેના પગલે રાજકોટ કલેકટર રેમ્યા મોહન અને સુરેન્દ્રનગર કલેકટર કે. રાજેશ વચ્ચે નવા એરપોર્ટની જમીન સંપાદન મુદ્દે શુક્રવારે મહત્ત્વની બેઠક યોજાશે.મહત્ત્વનું છે કે, આ એરપોર્ટની જમીનના સંપાદનના કૌભાંડમાં જે તે સમયના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

રેવન્યૂ સોફ્ટવેર ફાઇલ નિકાલમાં રાજકોટ ટોપ

રેવન્યૂ અરજીઓના નિકાલની કામગીરીમાં રાજકોટ રાજ્યભરમાં ટોપર હોવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ફાઇલના નિકાલ માટે રાજ્યમાં ચાર કેેટેગરી બનાવવામાં આવી છે. તેમાં જે જિલ્લામાં દરરોજની એક હજારથી વધુ વિવિધ પ્રકારની અરજી આવતી હોય તેવા જિલ્લાઓને એ ગ્રૂપમાં મુકવામાં આવ્યા છે. જે મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને રાજકોટ જિલ્લાને એ ગ્રૂપમાં મુકવામાં આવ્યા છે. જેમાં વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ રાજકોટ જિલ્લો બિનખેતી, પ્રીમિયમ, વારસાઇ એન્ટ્રી, અપીલ સહિતના દરરોજની ૧૦૦૦ જેટલી વિવિધ રેવન્યૂ એન્ટ્રીઓનો નિકાલ કરવામાં મોખરે રહ્યો છે.

(1:22 pm IST)