Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમરેલીમાં સગીરા પર ગેંગરેપનો કેસ અમરેલી સેસન્સ કોર્ટમાં 'સ્પેશ્યલ કોર્ટ' દ્વારા ચલાવાશે

કસુરવાન ગુન્હેગારોને કડક સજા અને પીડીતોને ઝડપી ન્યાય આપવા કાયદા વિભાગનું ખાસ નોટીફિકેશન

અમરેલી, તા. ૧૧ : જાતિય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા હેઠળ નોંધાયેલ બાળગુન્હેગારો સામેની બળાત્કારના કેસો અમરેલીની સેસન્સ અદાલતમાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચલાવવામાં આવશે.

રાજય સરકારને મળેલ સતાને અનુલક્ષીને રાજયના કાયદા વિભાગ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સાથે ચર્ચા-વિચારણા કરીને બાળ અધિનિયમ રક્ષણ હેઠળ બાળકો સામેના ગુન્હાને લગતા તેમજ બળાત્કારના ગુન્હાઓ માટે દરેક જિલ્લાની પ્રથમ એડીશ્નલ સેસન્સ કોર્ટની સ્પેશ્યલ કોર્ટની આ પ્રકારના ગુન્હાઓના કેસો ચલાવવા નિમણૂંક કરેલ છે.

તા. ૩૦-૪-૧૯થી ઉપરોકત કાયદા હેઠળ નોંધાયેલ તથા આઇપીસી ૩૭૬ મુજબના બળાત્કારના ગુન્હાના આરોપી સામેના કેસો દરેક જીલ્લાની પ્રથમ એડીશ્નલ સેસન્સ કોર્ટને સ્પેશ્યલ કોર્ટનો દરજ્જો આપી તેમાં જ ચલાવી ઝડપી ઉકેલ લાવવા રાજયના કાયદા વિભાગે તા. ૧૮-૯-ર૦૧૯થી નોટીફીકેશન બહાર પાડેલ છે. આ નોટીફિકેશન મુજબ અમરેલીમાં સગીરા ઉપર થયેલા ગેંગરેપ પ્રકરણમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફસ્ટ ગુન્હા રજી.નંબર ૪૭/૧૯ મુજબના આઇપીસી કલમ ૩૭૬ તથા તેની પેટા કલમ પોસ્કો એકટ કલમ ૪-૬-૮-૧ર-૧૪-૧૭-૧૮ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૭ તથા ૭૭ એ અને ૬૭ -બી મુજબનો કેસ હવે અમરેલી સેસન્સ કોર્ટમાં સ્પેશ્યલ કોર્ટ કાર્યરત કરી તેમાં ચલાવવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા એકાદ વર્ષથી સગીરા પર ગેંગરેપ દ્વારા બળાત્કારના બનાવોમાં ખૂબજ વધારો થવા પામેલ છે. આવા ગુન્હેગારોને સમયસર સજા થાય અને પીંડીતોને પણ ઝડપી ન્યાય માટે અગાઉ નવી કોર્ટો ખોલવાની હિમાયત નામદાર સુપ્રિમ કોર્ટે પણ કરી છે.

સુપ્રિમ કોર્ટની આ ટીપ્પણી (સુચીત)ને અનુલક્ષીને કેન્દ્રના કાયદામંત્રીએ એક તબ્બકે દેશમાં બળાત્કારના કેસો ઝડપી ચલાવવા માટે નવી કોર્ટો ખોલવાની પણ જાહેરાત કરવી પડી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં નવી કોર્ટો ખોલવાની પ્રક્રિયા હાથ ધરાયાનું પણ જાણવા મળેલ છે.

(1:16 pm IST)