Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વડીયાના મોરવાડામાં ૭૫ વર્ષના વૃદ્ધાને છાણા વીણવા બાબતે ઢોરમાર માર્યોઃ આરોપી હાથવેંતમાં

જૂનાગઢ-વડીયા, તા. ૧૧ :. અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામે છાણા વીણવા જેવી સામાન્ય બાબતમાં ૭૫ વર્ષના વૃદ્ધાને કાઠી શખ્સે ઢોરમાર મારતા ગંભીર હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરવાડા ગામે રહેતા નાનુબેન ભીખાભાઈ મકવાણા (ઉ.વ. ૭૫) છાણા વીણી રહ્યા હતા ત્યારે ગામના કાઠી હસુભાઈ વરણીયાએ કોઈ કારણસર નાનુબેન ઉપર હુમલો કર્યો હતો અને ઢોરમાર મારતા હાથમાં અને પગમાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમને હાથમાં અને પગમાં ફ્રેકચર હોવાનું જાણવા મળ્યુ છે અને સ્થિતિ ગંભીર છે.

આ બનાવની જાણ થતા વડીયા પોલીસે આરોપી કાઠી હસમુખભાઈ વરણીયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.  આ આરોપી હાથવેતમાં હોવાનું પોલીસે જણાવ્યુ છે. ૭૫ વર્ષના વૃદ્ધા ઉપર હુમલાની આ ઘટનાથી નાના એવા મોરવાડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)