Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ખેડુતોની સમસ્યાઓનું તાકીદે નિવારણ લાવવા વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન

વઢવાણ તા.૧૧ : વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ વિનોદભાઇ વ્યાસ, મોહનભાઇ પટેલ, મનુભાઇ પટેલ સહિતની આગેવાનીમાં વઢવાણ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને ગુજરાતના ખેડુતોની સમસ્યાઓના તાકિદે નિવારણ માટે રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા વિકાસના નામે ખેડુતોની કિંમતી ખેતીવાળી જમીન નિયમ વિરૂધ્ધ સંપાદન કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેન, ધોલેરા સર હોય કે પછી ભાવનગર પાવર પ્લાન્ટની જગ્યા, દરેકમાં સ્થાનિક ખેડુતો લાંબા સમયથી જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડુતોની કિંમતી જમીનનું યોગ્ય વળતર મળે, તે માટે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારે જમીન સંપાદન વ્યાજબી વળતર - ૨૦૧૩ કાયદા હેઠળની જોગવાઇના સંપુર્ણ અમલીકરણ કરી ખેડુતોને પુરતો ન્યાય આપવો જરૂરી છે.

આ ઉપરાંત જમીન માપણી તાત્કાલીક અસરથી નવી માપણીને આધારે થયેલ. પ્રમોલગેશન રદ કરવા જૂની માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકર્ડની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરવી જરૂરી છે. અગ્રીમતાના ધોરણોને ખેડુતોની ખેતી માટે જરૂરી વિજળી સાનુકુળ સમયે મળે અને સિંચાઇનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. કોંગ્રેસના શાસન દરમિયાન ખેડુતો માટે સાનુકુળતાપુર્વક હોર્સ પાવર પર વિજળી આપવામાં આવતી હતી. ૧૨ કલાક માટે વિજળી અપાતી હતી. તેનાથી વિપરીત છેલ્લા બે દાયકાથી માંડ ૬ થી ૮ કલાક માટે અને તે પણ અગવડતાભર્યા સમયે વિજળી અપાય છે. આશ્ચર્યજનકરીતે ઉદ્યોગપતિઓને અત્યંત સરળતાથી પુરતા પ્રમાણમાં વિજળી પુરી પાડવામાં આવે છે.

અપુરતા વિજળી પાણી ઉપરાંત અત્યંત મોંઘા ખાતર, બિયારણ અને જંતુનાશકોને પરિણામે  ગુજરાતના ખેડુતોએ ખેતપેદાશોના ઉત્પાદનની ઘણી ઉંચી પડતર ચુકવવી પડે છે. ત્યારપછી પણ ખેતપેદાશોનું પુરતુ વળતર નહી મળતુ હોવાથી ગુજરાતના ખેડુતોની હાલત કફોડી બની જાય છે.

પાકવિમાની ચુકવણી યોગ્ય સમયે પુરતી વિજળીના અભાવ કે નબળા નકલી બિયારણ જેવા અનેકવિધ કારણોસર પાક નિષ્ફળ જાય ત્યારે ખેડુતોની પાકવિમાની પુરતી રકમ સમયસર ચુકવવામાં આવતી નથી.

ખેડુતો દ્વારા તેમના વ્યાજબી પ્રશ્નોની રજૂઆત કરવાના બંધારણીય અધિકાર ઉપર પણ રાજય સરકાર પરોક્ષ રીતે તરાપ મારી રહી છે અને ખેડુતો દ્વારા આપવામાં કાર્યક્રમો ઉપર પોલીસ અત્યાચાર દમન જેવા સરમુખત્યારશાહી પગલા લેવામાં આવે છે. આ મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગણી કરાઇ છે.

(12:04 pm IST)