Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગાંધીધામ આવતો ૧૮ લાખનો દારૂ માલવણ પાસેથી સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી લીધો:બે શખ્શો પકડ્યા

ભુજ ગાંધીધામ આવતો લાખોનો દારૂ સુરેન્દ્રનગર એલસીબીએ માલવણ ટોલટેક્સ નજીકથી પકડી પાડ્‌યો છે. ભુસાની આડમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે ૧૮ લાખના દારૂ સહિત કુલ રપ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્શોની ધરપકડ કરી છે.

  આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગર એલસીબીના જણાવ્યા અનુસાર આઈસર ગાડી નંબર આર.જે. ૧૮ જી.બી. ૬૧૪૦નો ચાલક તેની ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભુસાની બોરીઓની આડમાં અમદાવાદ - કચ્છ નેશનલ હાઈવે રોડ પર વીરમગામથી ગાંધીધામ તરફ જવાનો હોવાની સચોટ બાતમી મળી હતી,

  જે અન્વયે માલવણ ટોકટેક્સ નજીકથી પોલીસે રેડ પાડી દારૂની ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. રાજસ્થાન પાસીંગના ટ્રકમાં ભુસાની આડમાં દારૂ કચ્છમાં ઘુસાડાતો હતો, પોલીસે ટ્રકમાંથી પાર્ટી સ્પેશિયલ ડીલક્સ વ્હીસ્કીની પ૦૯૯ બોટલો કિંમત રૂ.૧૮ લાખ તથા મોબાઈલ ફોન, રોકડ, આઈસર ટ્રક સહિત કુલ રૂ.રપ, ૦૭, ૬૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે અસરૂદ્દીન ઈદુ ભેરાભાઈ મેવ અને મનજીત ઉર્ફે મનુ બાબુરામ છજુરામ કુમારને પકડી પાડ્‌યા હતા, તો અન્ય બે સાગરિતોના નામ પણ ખૂલવા પામ્યા છે, જેઓ સામે પ્રોહિબિશનની ધારા મુજબ સુરેન્દ્રનગર એલસીબીએ બજાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં સમયાંતરે લાખોનો દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા હોય છે, પરંતુ પોલીસની સજાગતાથી આવા દારૂનો જથ્થો ઝડપાઈ જતો હોય છે ત્યારે આ વખતે કચ્છની સમીપે સુરેન્દ્રનગરથી નજીકથી લાખોનો દારૂ ફરી એકવાર પકડાયો છે.

(7:51 pm IST)