Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચાર હજાર કિલો સોનાના દાણચોરોના ફાઇનાન્સર અમરેલીના હોવાનો ધડાકો : અમરેલીના વતની એવા બે ફાઇનાન્સરની કસ્ટમના અધિકારીએ ધરપકડ કરીને જેલમાં મોકલ્યા

અમરેલી તા.૯: સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી પાંચ વર્ષમાં રૂ.૧,૩૦૦ કરોડનું ૪ હજાર કિલો સોનું ઘુસાડવાના મામલે મુળ અમરેલીના વતની એવા બે ફાઇનાન્સરની કસ્ટમના અધિકારીએ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે. કસ્ટમ વિભાગે કર્ણાવતી કલબની સામે આવેલ અવની ટાવરમાં રહેતા અમરેલીના વતની હિતેન્દ્ર જયંતિભાઇ રોકડ અને મેહુલ રસીકભાઇ ભીમાણીએ અખંડ જયોત જવેલર્સના માલીક રૂતુગા ત્રિવેદીને દાણચોરીનું સોનું લાવવા માટે ફાઇનાન્સ કરતા હતા. બન્ને જણાએ અત્યાર સુધીમાં કુલ ૩૭૨ કિલો સોના માટે ૧૦૫ કરોડ રૂપિયા આપ્યા હોવાની કસ્ટમના કાયદા અન્વયે નિવેદન આપ્યું હતું. જો કે, બન્ને આરોપીને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ આર.બી.મારફતીયાએ સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલીયાએ કસ્ટમના અધિકારીઓ સમક્ષ આપેલા નિવેદનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, પાછલા પાંચ વર્ષમાં તેણે રૂ.૧,૩૦૦ કરોડની કિંમતનું ૪,૦૦૦ કિલો જેટલું સોનુ બિનઘાસ્ત દાણચોરીથી ઘુસાડયું હતું. ત્રીજી જુને ઇન્ટરનેશનલ ફલાઇટમાંથી ઉતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જિજ્ઞેશ સાવલીયા લઇ જતા કસ્ટમ્સના અધિકારીએ પકડી પાડી હતી. જેમાં કસ્ટમના અધિકારીઓએ જિજ્ઞેશ સાવલીયા લોકેશ શર્મા અને અખંડ જયોત જવેલર્સની દુકાનમાં કામ કરતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ફડપી લીધા હતા. જેઓની પુછપરછમાં ગોલ્ડની દામચોરીનું મસ્ત મોટું રેકેટ હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી ૪ હજારિ કલો સોનું જેની અંદાજે કિમત રૂ.૧,૩૦૦ કરોડનું અમદાવદ  ઇન્ટરનેશનલ  એરપોર્ટ ઉપરથી આસાનીથી બહાર કાઢી આપ્યું હતું.

જેના બદલામાં જિજ્ઞશને બે કરોડ રૂપિયા અખંડ જયોત જવેલર્સના માલીક રૂતુગા ત્રિવેદીએ આપ્યા હતા. માણેકચોકમાં અખંડ જયોત જવલર્સ દુકાનમાં માલીક રૂતુગા ત્રિવેદીના પત્ની હીના દુબઇથી લોકેશ શર્માને સોનાનો જથ્થો આપતી હતી.

આ સોનાનો જથ્થો અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલીંગ તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ સાવલીયાને આપવામાં આતો હતો. કસ્ટમની તપાસમાં ખુલ્યુ હતુ કે, અમરેલીના વતની અને અમદાવાદના અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતીભાઇ રોકડ અને મેહુલ રસીકભાઇ ભીમાણીએ સોનું લાવવા માટે અત્યાર સુધી ૧૦૫ કરોડ રૂપિયા તબકકાવાર ફાઇનાન્સ કર્યુ હતું. જેના આધારે કસ્ટમે મેહુલ ભીમાણી અને હિતેન્દ્ર રોકડને તપાસ માટે લાવ્યા હતા. જથ્થા બન્ને જણાએ કસ્ટમના અધિકારી સામે કબુલાત કરી હતી કે, રૂતુગા ત્રિવેદીને દુબઇથી સોનું લાવવા માટે ફાઇનાન્સ કરતા હતા. જેના પેટે અમુક નફો રુતૂગા પાસે મેળવી લેતા હતા. બાદમાં કસ્ટમે બંને આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે

(4:16 pm IST)