Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વંથલીના બોડકાના ગ્રામજનોને મા કાર્ડ અપાશે

અધિકારીઓની સાથે રાત્રી સભા કરતા કલેકટર ડો. સૌરભ પારધી

જૂનાગઢ તા.૮ :  જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બોડકા ગામે કલેકટર ડો. સૌરભ પારધીએ રાત્રી સભા કરી હતી. જેમાં જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ પણ જોડાયા હતા. કલેકટરશ્રીએ મુલાકાતનો હેતુ ગ્રામજનોને જણાવી સરકારશ્રીની વિવિધ યોજનાનો ગામને લાભ મળે તેમજ વ્યકિતગત  સહાય કે મદદના કિસ્સામાં કોઇ લાભ માટે મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂર હોય તો તે આપી શકાય તે જણાવી ગામમાં બાળકો નિયમિત શાળાએ જાય, આરોગ્ય જળવાય રહે તેમજ વાહન વ્યવહાર ઉપરાંત ખેતીલક્ષી યોજનાઓના લાભ બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સ્થળ પર જ માર્ગદર્શન આપ્યું હતુ.

     મા અમૃતમ યોજના તેમજ વાત્સ્લ્ય યોજના વિશે આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપી હતી. ત્યારે ગ્રામજનોએ એકાદ બે પરિવારને તાત્કાલિક કાર્ડની જરુર હોય તે વિશે વાત કરતા કલેકટરશ્રીએ આ લાભાર્થીઓ તેમજ પાત્રતા ધરાવતા ગામના તમામ પરિવારોને આ કાર્ડનો લાભ મળે તે માટે સુચના આપી હતી.

    ગામમાં સ્વચ્છતા જળવાય રહે તેમજ ગામમાં રોડ પર ઉકરડા હોવા ન જોઇએ તે અંગે માર્ગદર્શન આપી સ્વચ્છતા અંગે ગ્રામપંચાયતના પદાધિકારીઓ તેમજ તલાટીને જરુરી કાર્યવાહી કરવા કહયું હતુ.

 પીએમ કિશાન યોજનાનો લાભ હવે બધા જ ખેડૂતોને મળવાનો છે. ગ્રામકક્ષાએ કોમ્પ્યુટરાઈઝેશન તેમજ વિવિધ યોજના વિશે માહિતી આપી હતી.

   આ મુલાકાત વેળાએ વંથલી પ્રાંત અધિકારી શ્રી જોશી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય, પંચાયત, સહાકાર, વિસ્તરણ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ અને ગ્રામ વિકાસ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતે અધિકારીઓની આ મુલાકાત ફળદાયી ગણાવી હતી.

(1:37 pm IST)