Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આ પંચમુખી પપૈયું જશે સોમનાથ મહાદેવના ચરણોમાં

રૂદ્રાક્ષને મુખ હોય પણ પપૈયાને મુખ આવે એવું પહેલીવાર જોવા મળ્‍યું છે * પંચમુખી પપૈયાને અમુક એન્‍ગલથી જોવામાં આવે તો એ ગણપતિની મૂર્તિ જેવો લૂક પણ દર્શાવે છે

રાજકોટ, તા. ૯ : રાજકોટ પાસે આવેલા નવાગામના હેમંતભાઇ સોલંકીની વાડીમાં એક અજાયબી જોવા મળી હતી. હેમંતભાઇની વાડીમાં ઉગાડવામાં આવેલા પપૈયાના ઝાડ પર એક નહીં, બે નહીં, ત્રણ નહીં પણ પંચમુખી એટલે કે પાંચ મુખ હોય એવું પપૈયુ ઉગ્‍યું છે. સામાન્‍ય રીતે મુખ માત્ર એક જ રૂદ્રાક્ષને હોય છે પણ અહીંયા પંચ મુખ પપૈયાને આવતા હેમંતભાઇએ નક્કી કર્યું છે કે આ પંચમુખી પપૈયાનો કોઇ જાતનો ઉપયોગ કરવો નહીં અને એ રૂદ્રાક્ષપતિ મહાદેવના ચરણોમાં ચડાવવું, જેની માટે માટે હેમંતભાઇ આ પપૈયાને સોમનાથ મહાદેવને ચડાવશે. હેમંતભાઇએ કહ્યું હતું, ‘ચાલીસ વર્ષના મારા પોતાના અંગત અનુભવ પછી હું કહું છું કે પપૈયા કયારેય આકાર બદલતા નથી, એ ગોળ કે લંબગોળ જ બને પણ પાંચમુખી પપૈયુ એક ચમત્‍કાર છે. મેં બીજા પપૈયા ઉત્‍પાદકોને પણ એ દેખાડયું ત્‍યારે બધાનું કહેવું એ જ થયું કે આનો ઉપયોગ હવે ખાવામાં ન કરવો જોઇએ.'

પંચમુખી પપૈયાને અમુક એન્‍ગલથી જોવામાં આવે તો એ ગણપતિની મૂર્તિ જેવો લૂક પણ દર્શાવે છે. આ પંચમુખી પપૈયાનું વજન અંદાજે સાડા સાતસો ગ્રામ જેટલું છે. એને હજુ ઝાડ પરથી ઉતારવામાં નથી આવ્‍યું. આજે એને ઝાડ પરથી સીધું જ લાલ કપડામાં લઇને સીધું મહાદેવના ચરણોમાં ધરવામાં આવશે.

(10:44 am IST)