Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મજયંતિએ જન્મભુમિ ચોટીલામાં ત્રિવિધ કાર્યક્રમો સાથે ભાવાંજલી અર્પણ

રાજકોટઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિએ જન્મભુમિ ચોટીલા ખાતે સતત ૧૦મા વર્ષે યોજાયેલ ર્ીંમેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)માં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. હાસ્યકાર હરિસિંહ સોલંકી, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ સંચાલન કર્યું હતું. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા એન. એન. શાહ સ્કૂલનાં પ્રાંગણમાં આ પ્રેરક આયોજન કરાયું હતું. શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગીરી બાપુ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવાર (મામા) અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિવૃત્ત પોલીસ અધિકારી જે. બી. જાડેજા અને જે. એચ. જલુ, અગ્રણીઓ ભુપતભાઈ ખાચર અને શૈલેષભાઈ ઉપાધ્યાય, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, સહકારી ક્ષેત્રના ગગુભાઈ ગોહિલ, ગોવિંદભાઈ જાદવ અને અનિરુધ્ધસિંહ ચાવડા, શિક્ષણ-જગતના કિરતારસિંહ પરમાર, એચ. કે. દવે, ભરતસિંહ ડાભી અને ઉગ્રસેન ગોહિલ, ૧૯૮૮-૮૯ની  ભારત જોડો' અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા, વંદનાબેન ગોરસિયા-ધ્રુવ અને નયનાબેન પાઠક-જોષી, એન.આઈ.ડી.સી.ના નિવૃત્ત ચીફ ઈજનેર જે. પી. ગોહિલ, સરકારી તાલુકા પુસ્તકાલયના ગ્રંથપાલ વિમલગીરી ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી, કીર્તિભાઈ શાહ, ચિરાગભાઈ કોટક, વાલજીભાઈ મિસ્ત્રી, પાંચાભાઈ બોળીયા સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, મેઘાણી-ચાહકો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચોટીલા પંથકનાં ૮૦ ગામમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો. વિશ્વભરમાં વસતાં ચાર લાખથી વધુ ભાવિકોએ આ સ્વરાંજલિ કાર્યક્રમને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. 

ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું લાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આથી પોલીસ-પરિવાર દ્વારા પણ શ્રધ્ધા-સુમન અર્પણ કરાયાં, જેમાં સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઈપીએસ), પી.આઈ. આર.ડી. પરમાર, એમ.સી. વાળા, ડી.એમ. ઢોલ, પી.એસ.આઈ. એચ.એલ. ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ (આઈપીએસ)એ શુભેચ્છા પાઠવી હતી.   

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર ર્ીંમેઘાણી-સાહિત્ય' પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેની મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓએ મુલાકાત લીધી હતી. 

આલેખન :-પિનાકી નાનકભાઇ મેઘાણી.ઝવેરચંદ મેઘાણી

સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:32 pm IST)