Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ખંભાળિયા બન્યું ગણપતિ મયઃ ખંભાળિયા

એક દંતાય વિધ્નહર્તાય ધિ મહી.. ગજાનન ગણપતિ મહારાજનું વિધિવત પંડાલોમાં આગમન થયાની સાથે જ ભાવિક ભકતો બાપ્પાની ભકિતમાં ભિંજાય રહ્યા છે. શહેરમાં ૩૦ થી વધુ જગ્યાએ ગણપતિ પંડાલોમાં સવાર-સાંજ દુંદાળા દેવની આરતી-પ્રસાદ સહિત રાત્રીના અનેક વિધ કાર્યક્રમોનું આયોજન મંડળો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ ંછે. ત્યારે પંડાલોની સાથે શહેરના મોટાભાગના ઘરોમાં ગણપતિજીની નાની-મોટી પ્રતિમાઓનું સ્થાપન કરી ભાવિકભકતો પુજા અર્ચના કરી રહ્યા છે. ભોળાનાથ એવા શિવશંકરને ભજવાનો માસ એટલે શ્રાવણ માસ પૂર્ણ થયાને ગણતરીના દિવસો થયા છે ત્યારે હવે શિવજીના પુત્ર ગજાનન ગણપતિજીને ભજવાનો અવસર એટલે ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ ચુકયો છે. કહેવા જઇએ તો ગણેશ મહોત્સવ હવે માત્ર મુંબઇ પુરતો જ મર્યાદીત રહ્યો નથી સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ આ અવસરને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ખંભાળિયામાં પણ ગણેશ ચતુર્થીની સાથે ગરવા ગણેશનું શહેરની મહોત્સવ સમિતીઓ તેમજ મંડળો દ્વારા ૩૦થી વધુ જગ્યાએ સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં ગણાત્રા હોલમાં રામનાથમાં મન્નતો કે રાજા, સતવારા ચોરા પાસે ઉત્સવ-એકતા સમિતિ,નવાપરામાં નવાપરા યુવક મંડળ, લુહાર શાળા,ઝેવેરી બજાર, રેલ્વે સ્ટેશન રોડ પર સિધ્ધી વિનાયક ગૃપ, કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા કલ્યાણ પરિવારના મહારાજા સહિતના મંડળો દ્વારા દૂંદાળા દેવની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. તો મોટા ભાગે લોકો ઘરોમાં પણ વક્રતુંડાયની સ્થાપના કરી સેવા-પૂજા કરી રહ્યા છે. હાલ સમગ્ર શહેર ગણપતિ મય બની ગયું હોય તેવો ભકિતકેરો માહોલ છવાયો છે.

(12:07 pm IST)