Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

આનંદો...ગીરનાર રોપ-વે પ્રોજેકટ હવે પૂર્ણતાના આરેઃ ડિસેમ્‍બરથી કાર્યરત થશે

પ્રોજેકટ માટે ૦.૨૭૮૫ હેકટર જમીન આપવા નિર્ણય

અમદાવાદ, તા. ૬ :. ગીરનાર રોપ-વે પ્રોજેકટ જોરશોરથી ચાલી રહ્યો છે. ભવનાથ તળેટીથી પર્વત પર અંબાજી મંદિર સુધી લઈ જનારા આ પ્રોજેકટ હવે પૂર્ણતાના આરે છે અને તે ડીસેમ્‍બર સુધીમાં કાર્યરત થઈ જશે.

ગાંધીનગરમાં યોજાયેલી રાજ્‍ય વન્‍યજીવન બોર્ડની મીટિંગમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત માટે રોપ-વે પ્રોજેકટ માટે ૦.૨૭૮૫ હેકટર જમીન આપવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રપોઝલને મંજુરી માટે સેન્‍ટ્રલ વન્‍યજીવન બોર્ડ પાસે મોકલાશે.

ઔપચારીક નિવેદનમાં કહેવાયુ હતુ કે ગિરનાર પર્વત પર આ વર્ષના ડિસેમ્‍બર સુધીમાં રોપ-વે કાર્યરત થઈ જશે. ઉલ્લેખનીય છે કે ગિરનાર પર્વત પર રોપ-વે લાગ્‍યા બાદ યાત્રીઓની અવરજવર વધવાનો અંદાજ છે. આથી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે યાત્રીઓ માટે પાણી, ફેન્‍સિંગ તથા અન્‍ય સુવિધાઓ ઉભી કરવા ૭ કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

બોર્ડના નિવેદનમાં કહેવાયુ છે કે, ગિરનાર પર્વત પર આ બધી સુવિધાઓ ઉભી કરવા માટે ૦.૨૭૮૫ હેકટર જમીનની જરૂર પડશે. આથી પ્રપોઝલને મંજુરી માટે સેન્‍ટ્રલ વન્‍યજીવન બોર્ડ પાસે મોકલાયુ છે. રાજ્‍ય સરકારે સ્‍પષ્‍ટ કર્યુ હતુ કે રોપ-વે માટે એકપણ વૃક્ષ કાપવામાં નહીં આવે.

(11:10 am IST)