Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

બેટ દ્વારકામાં ઈદ ઉજવવા આવેલા જેતપુરના બે યુવાનો દરિયાની ખાડીમાં ડૂબ્યા

હાજી કિરમાણીની દરગાહે ગયેલ પરિવારના યુવાનો ન્હાતી વેળાએ ખાડીમાં ગરક થતા શોધખોળ શરૂ

 

જામનગરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં ઈદ ઉજવવા આવેલ જેતપુરના મુસ્લિમ પરિવારના બે યુવાનો દરિયાની ખાડીમાં ડૂબી જતા ઉજાણીનો પ્રસંગ માતમમાં બદલાઈ ગયો છે, સ્થાનિક તંત્ર દ્વારા ડૂબી ગયેલ બંને યુવાનોની શોધખોળ શરુ કરી રેસ્ક્યુ ઓપ્રેસન હાથ ધર્યું છે, પરંતુ ત્રણ કલાક બાદ પણ બંને યુવાનોના સગળ સાપડયા નથી.

 આ અંગે મળતી વિગત મુજબ જેતપુર તાલુકાનો એક મુસ્લિમ પરિવાર ઈદની ઉજવણી કરવા આવ્યો હતો.હાજી કિરમાણીની દરગાહે ગયેલ આ પરિવારના બે સભ્યો દરિયા કિનારે ન્હાવા ગયા હતા, જેમાં રજા સિકંદર બલોચ ઉવ ૧૭ અને નિઝામશા હનીફશા શાહમદાર ઉવ ૨૩ નામના બે યુવાનો ન્હાતી વેળાએ ડૂબવા લાગ્યા હતા અને ટૂંકમાં જ તેઓ ખાડીમાં ગરદ થઇ ગયો હતા.

 જેતપુરના એક પરિવારના ૧૭ વ્યક્તિઓ દરગાહે ઇદની ઉજવણી કરવા ગયા હતા. જેમાં આ બનાવ બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ કરવામાં આવતા સ્થાનિક તંત્રનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે ત્રણેક કલાકની જહેમત બાદ પણ બંને યુવાનોના સગડ નહી સાંપડતા પરિવારની ઉજવણી ફીકી પડી ગઈ હતી. તંત્રની બે ટીમ દ્વારા રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

(12:36 am IST)