Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વંથલી ખેડૂત અગ્રણીના અપહરણ-હૂમલા માટે પોલીસ જવાબદારઃ ભાજપ આગેવાનોની અટકાયત કેમ નહી?

વંથલી સહિતનાં વિસ્તારોમાં લીઝ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવોઃ જવાહર ચાવડાનો આક્રોશ

 જુનાગઢ તા.૬: વંથલી-માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મીડીયા સાથેની વાતચીતમાં વંથલીના ખેડૂત અગ્રણીનું અપહરણ અને તેના પર કરાયેલા હુમલા માટે પોલીસ પણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

વંથલીની લોકમાતા ઓઝત નદીમાંથી ગેરકાયદે થતા રેત ખનનના વિરોધમાં સોમવારે અને મંગળવારે વંથલી બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. તેમજ બંધ દરમ્યાન ખેડૂત અગ્રણી નયનભાઇ કલોલાનું અપહરણ અને બાદમાં તેના ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનોએ સંતોની આગેવાનીમાં ચક્કાજામ કર્યો હતો.

આ તમામ બનાવ બાદ આજે સવારે જૂનાગઢ ખાતે ધારાસભ્ય શ્રી જવાહર ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, વંથલીના ખેડુત આગેવાન નયનભાઇ કલોલાનું અપહરણ કરી બાદમાં તેના ઉપર કરાયેલા હુમલા માટે પોલીસ તંત્ર પણ જવાબદાર છે.

ધારાસભ્ય શ્રી ચાવડાએ જણાવેલ કે, પોલીસની હાજરી દરમ્યાન જ નયનભાઇ કલોલાને ઉઠાવી જવામાં આવ્યા હતા. આમ પોલીસે રક્ષણ આપવાને બદલે આંખ મીચામણા કર્યા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો.

જે વાહનમાં નયનભાઇને ઉઠાવી જવામાં આવ્યા છતા પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી આ બાબતની એફઆઇઆરમાં પોલીસની હાજરી હોવાનું જણાયુ હોવાનું ધારાસભ્ય શ્રી ચાવડાએ કહ્યુ હતુ.

શ્રી ચાવડાએ વધુમાં જણાવેલ કે, વંથલી પાસે વાહન રોકો આંદોલન દરમ્યાન ભાજપના આગેવાનોની પણ હાજરી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત શા માટે કરી નથી તેવો વેધક સવાલ શ્રી ચાવડાએ મિડીયા સમક્ષ કર્યો હતો.

પોલીસે તા.૧૨ન જુનના રોજ હાજર થવાનું ફરમાર કર્યુ હોવાનું ધારાસભ્ય જવાહર ચાવડાએ જણાવીને ઉમેર્યુ હતું કે, મે કોઇ પ્રકારનો ગુનો કર્યો નથી એટલે જામીન લેવાનુ પ્રશ્ન થતો નથી. અને હું પોલીસના આદેશ પ્રમાણે હાજર થવાનો નથી.

વંથલીની ઓઝત નદીમાંથી મોટા પાયે રીતીનું ખનન થઇ રહ્યું છે અને આ પ્રશ્ન સમયથી પ્રવર્તે છે. આથી ભવિષ્યમાં રેતીની લીઝ મુદ્દે કોઇ પ્રકારનું ઘરસણ થાય નહી તે માટે સમગ્ર મુદાનું કાયમી ઉકેલ લાવવો જોઇએ. ખનન પ્રવૃતિ સામેની લડાઇ ઘણઆ સમયથી ચાલી રહી છે. છતા પણ નક્કર કાર્યવાહી કે પગલા લેવામાં નહીં આવતા આદોલન વધુ ઉગ્ર બન્યુ છે. આથી શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લીઝ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જોઇએ તેવી માંગણી ધારાસભ્ય શ્રી ચાવડાએ કરી છે.

સાથે સાથે ધારાસભ્ય જવાહર ચાવડાએ ખેડૂત અગ્રણી નયનભાઇ કલોલા ઉપર ઘાતમી હુમલો કરનરા શખ્સોને તાત્કાલીક પકડી પાડવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગણી કરી છે.

(4:02 pm IST)