Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કોંગ્રેસ શાસીત માળીયા મિંયાણા પાલિકામાં ૧ કરોડથી વધુનાં બિલ કૌભાંડમાં તપાસનો રીપોર્ટ કલેકટરને સોંપાયો

મોરબી - માળિયા મિંયાણા, તા.૬: માળિયા મિયાણા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને કાઉન્સિલરની મિલીભગતથી એક કરોડથી વધુ રૂપિયાનું કોભાંડ આચરવામાં આવ્યું હોય અને આ મામલે કરવામાં આવેલી અરજી બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે અને મોટી રકમના બીલના ચૂકવણા કરવામાં નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો હોવાનું ધગધગતો રીપોર્ટ કલેકટરને સોપવામાં આવ્યો છે.

કોંગ્રેસ શાસીત પાલિકામાં એક કરોડથી વધુની રકમનું કોભાંડ આચરવામાં આવ્યું હોય તેવી અરજી માળીયાના રહીમભાઈ જામ અને હનીફભાઈ જેડા દ્વારા કરવામાં આવી હતી જેને પગલે ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં નિયમોનો ઉલાળિયો કરીને કેવી રીતે મોટી રકમના બીલ ચૂકવી દેવાયા તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસને બાદ જીલ્લા કલેકટરને રીપોર્ટ સોપવામાં આવ્યો છે જે રીપોર્ટમાં જણાવ્યું છે કે માળીયાના ચીફ ઓફિસર મકવાણા લગ્ન હોવાથી ૧૮-૦૪ થી ૧૩-૦૫ દરમિયાન રજા પર હોય ત્યારે સોલંકીભાઈને ચાર્જ સોપવામાં આવેલ જેને અનેક બીલો પાસ કરી દીધા છે જેમાં કચરો ઉપાડવાનું નિઝામ ગુલામ હુશેન મોવરનું બીલ ૪૫,૦૦૦ નું છે પરંતુ ભાવ માંગેલ નથી તો અન્ય બીલ પણ કાઉન્સિલર ભટ્ટી હનીફનું ૩૭,૫૦૦ કચરો ઉપાડવાનું છે. જેના ભાવ માંગ્ય નથી. રસ્તા પર મેટલ પાથરવાનું ૪,૭૭,૦૦૦ નું સુલેમાન સંદ્યવાણીનું બીલ પાસ કર્યું છે જેનું સ્થાનિક અખબારમાં કોઈ જાહેરાત આપેલ નથી. રસ્તા પર મેટલ પાથરવાનું ૨૬,૩૨,૦૦૦ બીલ ઈ ટેન્કર કર્યા વિના પાસ કરવામાં આવ્યું છે. જેના વર્ક ઓર્ડર નથી અને સામાન્ય સભાનો ઠરાવ નથી.

આમ કોઈપણ બીલ ખરાઈ વગર માળિયા મામલતદાર અને પ્રમુખ તથા નગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને ચુકવણા કરી દીધાનું સાબિત થયું છે તો ઇન્ચાર્જ ચીફ ઓફિસર સોલંકીએ ચુકવણું કર્યાનું સ્વીકાર્યું છે અને હંગામી કર્મચારી સુભાનભાઈએ પાણીમાં બધું તણાઈ ગયું તેવું કહેતા વાતની ખરી કર્યા વિના માંની લીધાનું ધ્યાન પર આવ્યું છે. બેંક દ્વારા મોટી રકમના ચેક પાસ કરવામાં આવે ત્યારે પુરતી ખરાઈ કરવાની હોય છે પરંતુ બેંક દ્વારા ખરાઈ કરવામાં આવી નથી અને ચેક પાસ કરવામાં આવ્યા છે.

કોભાંડ મામલે પ્રમુખ અબ્દુલ હુશેન મોવરનો જવાબ લેવામાં આવ્યો હતો જેમાં તેણે જણાવ્યું છે કે હુકમમાં સુભાનભાઈના અક્ષરો છે પરંતુ બધા જ હુકમમાં સહીઓ તેમની નથી જયારે ઇન્ચાર્જ ચીફ ઓફિસરે એવો ખુલાસો કર્યો હતો કે તેની પત્નીનું અકાળે અવસાન થયું હોય અને ડાયાબીટીસ તથા બીપીની તકલીફ હોય જેથી પ્રેશરમાં આવી સહી કરેલ છે પરંતુ કોઈ ગોળી લેતા હોય તેવું જણાવેલ નથી અને પ્રેશરમાં કામ કરવાથી પત્ર લખવો, સહીના નમુના મોકલવા અને મોટી રકમના ચેક લખવા તે સંપૂર્ણ માની શકાય તેમ નથી તેવું પણ ડેપ્યુટી કલેકટરે રીપોર્ટમાં જણાવ્યું છે.

(11:34 am IST)