Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કેશોદમાં દાતાઓ, સંસ્થાઓ સાથે સંકલન કરી સેવાકીય કાર્ય કરશે તો અન્નનો બગાડ થતો અટકશે : ડીવાયએસપી જે.બી.ગઢવી

તસ્વીરમાં ડીવાયએસપી શ્રી જે.બી.ગઢવી સાથે ચર્ચા કરતા પત્રકાર સંજયભાઇ દેવાણી, રામનાથ ધુન મંડળના પ્રવિણદાનભાઇ ગઢવી, વિનુભાઇ અગ્રાવત, ધારેશ્વર પ્રા.શાળાના શિક્ષક ખિમાણંદભાઇ સોલંકી, ચંદ્રકાંતભાઇ દેવાણી નજરે પડે છે.(તસ્વીર : હાર્દિક દેવાણી)

 કેશોદ તા.૬ : શહેરની કાર્યરત સેવાકીય સંસ્થાઓ ઉપરાંત અસંખ્ય દાતાશ્રીઓ દ્વારા ફૂડ પેકેટ સહિતની જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુ ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોના ઘરે પહોચાડી કોઇપણ વ્યકિત ભુખ્યુ ન રહે તેની કાળજી રાખવા અંગેની પ્રસંશનીય સેવાકીય કાર્ય કરી રહેલ છે. આ સેવાકીય પ્રવૃતિઓને સ્થાનિક પોલીસમથક, મામલતદાર કચેરી, નગરપાલીકા કચેરી તરફથી પ્રોત્સાહન મળી રહેલ છે.

આ સ્થિતિ વચ્ચે પોતાના ડીપાર્ટમેન્ટે સોંપેલ કર્તવ્યની સાથે ડીવાયએસપી જે.બી.ગઢવી પોતાની માનવીય સેવા પણ બજાવી રહેલ છે અને દાતાશ્રીઓ તથા કાર્યરત સેવાકીય સંસ્થાઓની મુલાકાત લઇ આ સેવાકીય કાર્યને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહીન કરી રહેલ છે.

આ અંગે એક મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગઢવીએ અકિલા સમક્ષ પ્રવર્તમાન પરિસ્થિતિમાં સેવાકીય સંસ્થાઓ સહિત અન્ય દાતાશ્રીઓની પ્રસન્નતા વ્યકત કરી હતી તેઓશ્રીએ જણાવેલ હતુ કે, શહેરના વિવિધ વિસ્તારોમાંથી દાતાશ્રીઓ ઝુપડપટ્ટી વિસ્તારના લોકો સુધી ખાદ્યવસ્તુઓ પહોચાડી રહેલ છે.

કેટલાય દાતાશ્રીઓ વ્યકિતગત રીતે દરરોજ પોતાની ક્ષમતા મુજબ ૫૦ થી ૧૦૦ જેટલા વ્યકિતઓની રસોઇ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડી રહેલ છે. બીજી તરફ સેવાકીય સંસ્થાઓ દ્વારા દરરોજ હજાર થી પંદરસો કે તેથી પણ વધુ લોકો માટે રસોઇ બનાવી જરૂરતમંદ લોકોને ખાદ્યસામગ્રી પહોચાડી રહેલ છે. આ સ્થિતિ વચ્ચે ઘણા બધા સ્થળોએ એવુ બને છે કે એક જ ઘરમાં જૂદા જૂદા લોકો દ્વારા બે કે ત્રણ વખત તૈયાર ખાદ્ય સામગ્રી પહોચતી હોઇ જેતા પરિણામે ભોજનનો ખોટો બગાડ થઇ રહેલ હોવાનુ ધ્યાનમાં આવેલ છે.

આ સ્થિતિના ઉકેલ માટે વ્યકિતગત રીતે જેતાશ્રીઓ પોતાની સેવાકીય પ્રવૃતિ કરી રહેલ છે તેઓ આ અંગેની કાર્યરત સેવાકીય સંસ્થા સાથે સંકલન સાધી સેવાકીય પ્રવૃતિમાં જોડાઇ ફૂડપેકેટ વિતરણ માટેના વિસ્તારો નકકી કરી વિતરણ કરવામાં આવે તો કાર્યરત સેવાકીય સંસ્થાઓને જરૂરી કાચી ખાદ્યસામગ્રી અથવા આર્થિક સહાય મળી રહેતા આવી સંસ્થાઓ વધુ સક્રિય રીતે સેવાકીય પ્રવૃતિઓ કરી શકશે તેમજ સમય, શકિત અને રૂપિયાનો સદઉપયોગ થશે સાથે ભોજન અન્નનો પણ બગાડ થશે નહી.

દરમિયાન આ તકે રામનાથ ધૂન મંડળના સંચાલક શ્રી પ્રવિણદાન ગઢવીએ અન્નદાન સર્વશ્રેષ્ઠ હોવા અંગે મહત્વ સમજાવતા જણાવેલ હતુ કે, એક જ વસ્તુ એવી છે કે, માણસ સંતોષનો ઓડકાર ખાઇ શકે તે વસ્તુ છે ભોજન અન્ય કોઇપણ વસ્તુનુ દાન કરવાથી માણસની અપેક્ષા સંતોષાતી નથી પરંતુ ભોજન આરોગ્યાબાદ  માણસ સંતોષનો ઓડકાર ખાઇ લે છે. ત્યારે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ભુખ્યા ગરીબ લોકોની જઠરાગ્નિને સંતોષવા માટે દાતાશ્રીઓ દ્વારા માનવતાની ફુટેલ મહેકે આજે પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખેલ છે જે બાબત સરાહનીય છે.

(11:50 am IST)