Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાવનગરમાં કોરોનાના ૧૩ પોઝીટીવ કેસ થઇ જતા ચિંતા

૪૦૭ લોકો હોમ કોરોન્ટાઇનઃ જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી

 ભાવનગર, તા.૬: ભાવનગરમાં કોરોનાનાં કુલ ૧૩ પોઝીટીવ કેસ થઇ જતાં નગરજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. હવેના દસ દિવસ ભાવનગરમાં મહત્વનાં સાબિત થશે.

ભાવનગર શહેરનાં ૨૪ કલાકમાં કોરોનાનાં ચાર પોઝીટીવ કેસ નોંધતા કુલ આંક ૧૩ સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં જે ૧૩ પોઝીટીવ કેસ નોંધાતા છે તે પૈકી ૧૧ પોઝીટીવ કેસ મુસ્લિમ સમાજનાં છે , છ તો એક જ પરિવારનાં છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરનાં કરીમભાઇ દિલ્હી ખાતેની નિઝામુદીન મરકઝમાંથી પરત ભાવનગર ખાતા બાદ કોરોનાથી તેનું મૃત્યુ થયુ હતું. ભાવનગરનું આ પ્રથમ મોત હતું.

હાલની સ્થિતિમાં ભાવનગર મહાપાલિકા વિસ્તારનાં ૩૮૧ અને ગ્રામ્ય વિસ્તારનાં ૨૬ મળી કુલ ૪૦૭ લોકોને હોમ કોરોન્ટાઇન રખાયા છે. જયારે વહિવટતંત્રએ ઉભા કરેલા કોરોન્ટાઇન ફેસીલીટીમાં મહાપાલિકાનાં ૪૩ અને ગ્રામ્યનાં ૧૦ લોકો મળી ૫૩ લોકો છે. જયારે ૧૪ દિવસનાં હોમ કોરોન્ટાઇન પૂર્ણ થયા હોય તેવા મહાપાલિકા વિસ્તારમાં ૨૭૩ અને ગ્રામ્યનાં ૧૪૮ મળી કુલ ૪૨૧ લોકો છે. ભાવનગરમાં કોરોના પોઝીટીવની સંખ્યા વધતાં હવે તંત્ર કડક બન્યુ છે. અને રોજ રોજ મોટી સંખ્યામાં વાહનો ડીટેઇન કરે છે અને જાહેરનામાનો ભંગનાં કેસો કરી રહ્યા છે.

(10:34 am IST)