Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કચ્છમાં ૪ દિવસથી મેઘમહેર: નારાયણ સરોવરમાં દોઢ ઇંચ: ભુજના ડુંગરાળ વિસ્તારોમાં ત્રણ ઇંચથી ખત્રી તળાવ ઓગન્યુ: ભુજ, માંડવી, ભચાઉમાં એક ઇંચ: ગાંધીધામ ટપ્પર ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લોની તૈયારી, ૮ ગામોમાં એલર્ટ, સફેદરણમાં ઘૂઘવતો દરિયો

નખત્રાણા, અંજાર, અબડાસામાં ઝરમર ઝરમર અડધો ઇંચ, નખત્રાણાના લૈયારી ગામે ધોધમાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ

 

(ભુજ) વખતે સર્જાયેલું સાયકલોનીક સર્ક્યુલેશન કચ્છમાં માટે આર્શીવાદરૂપ બન્યું છે. તેનું કારણ સતત દિવસ થયા કચ્છમાં મેઘરાજાની મહેર અવિરત જારી છે. દુષ્કાળગ્રસ્ત લખપત તાલુકામાં દુષ્કાળને દેશવટો આપ્યા બાદ મેઘસવારી ચાલુ રહી છે. લખપતના કાંઠાળ વિસ્તારોમાં નારાયણસરોવર તીર્થધામ અને આસપાસના ગામોમાં દોઢેક ઇંચ વરસાદ પડતાં પવિત્ર નારાયણસરોવરમાં નવા નીરની જળ સપાટી વધી છે

   . ઉપરાંત ભુજ, માંડવી અને ભચાઉ પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જોકે, ભાદરવાના ભુસાકાની અસર તળે ઘણી જગ્યાએ ધોધમાર અને તોફાની વરસાદ પડી રહ્યો છે. માંડવીના કોકલીયા ગામે ત્રણેક ઇંચ વરસાદ પડ્યો હતો. તો, ભુજ અને આજુબાજુના ગામો ભારાપર, બળદીયા, સુરજપર, નારાણપરની પટેલ ચોવીસીના ડુંગરાળ વિસ્તારોમાં ત્રણેક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પરિણામે ભુજ-માંડવી હાઇવે ઉપર આવેલ ખત્રી તળાવ ઓગની ગયું હતું અને તેના વધારાના પાણી હાઇવે ઉપર ફરી વળ્યાં હતા. મેઘરાજાની મહેર વચ્ચે નર્મદા મૈયાની કૃપા પણ કચ્છ ઉપર વરસી છે.

   રાજ્ય સરકારે નર્મદાના નીરથી ગાંધીધામનો ટપ્પર ડેમ ભરવાની શરૂઆત કર્યા બાદ હવે ટપ્પર ડેમ ઓગનવાની તૈયારી માં છે. જેને પરિણામે તેની આસપાસના નીચાણવાળા વિસ્તરોના ૮ ગામો ટપ્પર, પશુડા, ભીમાસર, નાની ચીરઈ, મોટી ચીરઈ, ગોકુલધામ, નંદગામ અને જશોદાનગરને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. જોકે, ભાદરવાની અસરના પગલે ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભુજના રણ વિસ્તાર એવા ધોરડોના સફેદરણમાં ભારે વરસાદને પગલે જાણે દરિયો ઘૂઘવી રહ્યો છે. રણ મા દરિયો રચીને કુદરતે જાણે પોતાની સર્જન શક્તિનો પરિચય કરાવ્યો છે. જે વિસ્તારમાં પાણી અને ઘાસના વલખાં હતા ત્યાં રણનું દરિયામાં પરિવર્તન થયું છે. તો, નખત્રાણા પંથકમાં ઝરમર વરસાદ વચ્ચે લૈયારી ગામમાં ધોધમાર વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે. અંજારમાં પણ ઝરમર ઝરમર સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. હજીયે કચ્છમાં વરસાદની આગાહી છે અને માહોલ વરસાદી છે તે જોતા લાગે છે કે, મેઘમહેર હજીયે રહેશે. 

(12:44 am IST)