Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજુલાના બર્બટાણા ગામની સીમમાં રાત્રીના સમયે સિંહની પાછળ ટ્રેકટર દોડાવી પજવણી કરાઇઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

ગીરના જંગલમાં આવા પ્રકારની ઘટનાથી પ્રાણીપ્રેમીઓ ચિંતિતઃ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા તપાસ

અમરેલીઃ ગીરના જંગલમાં રાતિરના સમયે વાડી વિસ્‍તારમાં સિંહની પાછળ ટ્રેકટર દોડાવી સિંહની પજવણી કરતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા પ્રાણીપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરાઇ છે.

ગીરમાં સિંહોની પજવણીની વધુ એક ઘટના સામે આવી છે. સિંહ પાછળ વાહન દોડાવી વધુ એક પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. રાજુલા તાલુકાના બર્બટાણા ગામની વાડી વિસ્તારમાં સિંહની પાછળ ટ્રેકટર દોડાવાયુ હતું. રાત્રિના સમયે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી પજવણી કરાઈ હતી. કેટલાક યુવાનો દ્વારા સિંહની પજવણી કરી વધુ એક જંગલના નિયમોનો ભંગ કર્યો છે. તાજેતરમાં જ જાફરાબાદના ફાચરિયા ગામમાં કાર ચાલકે સિંહ પાછળ કાર દોડાવતા તેની સામે કાર્યવાહી કરાઇ હતી.

સમગ્ર ઘટનાને અંગે પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલે કહ્યુ કે અમે આ વિશે તપાસ શરૂ કરી દીધી છે. વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જોવા મળે છે. ગીરના જંગલમાં આ પ્રકારની ઘટના સતત વધી રહી છે, જેને કારણે પ્રાણીપ્રેમીઓ નિરાશ થયા છે.

(5:03 pm IST)