Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

એક જ મહિનામાં ભાવનગર રેલ્‍વે ડિવીઝને ખુદાબક્ષ મુસાફરો પાસેથી 86,54,285 રૂપિયાનો દંડ વસુલ્‍યોઃ રેકોર્ડ બ્રેક કામગીરી

ડિવીઝન દ્વારા સઘન ટિકીટ ચકાસણી ઝુંબેશઃ 9462 મુસાફરો સામે કાર્યવાહી

ભાવનગરઃ ભાવનગર રેલ્‍વે ડિવીઝન દ્વારા સઘન ટિકીટ ચકાસણી ઝુંબેશ હાથ ધરતા એક જ મહિનામાં 86,54,285 રૂપિયાનો દંડ ટિકીટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો. ડિવીઝનલ રેલ્‍વે મેનેજરે કર્મચારીઓની રેકોર્ડ બ્રેક કામગીરી બદલ પ્રશંસા કરી હતી.

ભાવનગર રેલવે મંડળે એપ્રિલ 2022માં ટિકિટ વિના ના મુસાફરો પાસેથી રૂ. 86.5 લાખ વસૂલ્યા છે, એક મહિનાની ટિકિટ ચેકિંગની કમાણીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે

રેલવેમાં નિયમો વિરૂદ્ધ કે વિના ટિકિટ મુસાફરી કરતા લોકોને નિરુત્સાહિત કરવા ભાવનગર ડિવિઝનમાં સમગ્ર માસ દરમિયાન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ ચકાસણીની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. એપ્રિલ, 2022ના મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવતા ડિવિઝને ટિકિટ વગર અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 11912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 દંડ તરીકે એકત્ર કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

અગાઉ માર્ચ, 2022માં ભાવનગર ડિવિઝન દ્વારા 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ તેમજ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી. સાથે તમામ રેલવે મુસાફરોને પણ અપીલ કરી હતી કે, યોગ્ય ટિકિટ ખરીદીને જ લોકોએ મુસાફરી કરવી જોઈએ.

(5:02 pm IST)