Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાહેબ... પુરાવા લઇ વાંદરો ભાગી ગયો

કોર્ટમાં પોલીસની વિચિત્ર કબુલાતઃ હત્‍યા કેસનો હતો મામલો

જયપુર, તા.૪: શું તમે ક્‍યારેય સાંભળ્‍યું છે કે હત્‍યાના કેસમાં પોલીસે પુરાવા એકઠા કર્યા અને કોર્ટમાં રજૂ કરતા પહેલા વાંદરો તેને લઈને ભાગી ગયો? સાંભળીને થોડું અજુગતું લાગ્‍યું હશે, પરંતુ જયપુરની પોલીસે એક યુવકની હત્‍યાના કેસમાં કોર્ટને આ જ માહિતી આપી છે. પોલીસે જણાવ્‍યું હતું કે ૨૦૧૬માં આ હત્‍યાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ પુરાવા એકત્ર કર્યા હતા. જોકે, કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો વારો આવતાં પોલીસે કહ્યું હતું કે, હત્‍યાના પુરાવા લઈને વાંદરો ભાગી ગયો હતો.

આ મામલો જયપુરની નીચલી કોર્ટમાં સામે આવ્‍યો છે. પોલીસે જણાવ્‍યું કે તેમને સપ્‍ટેમ્‍બર ૨૦૧૬માં જયપુરના ચંદવાજી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં શશિકાંત શર્મા નામના યુવકનો મૃતદેહ મળ્‍યો હતો. પરિવારજનોએ તેની હત્‍યાની આશંકા વ્‍યક્‍ત કરી હતી અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન પણ કર્યું હતું. જે બાદ પોલીસે તપાસ તેજ કરી. આ દરમિયાન મળેલા પુરાવા પરથી હત્‍યાનો મામલો સ્‍પષ્ટ થયો હતો. પોલીસે હત્‍યામાં વપરાયેલ હથિયારો અને અન્‍ય પુરાવાઓ પણ જપ્ત કર્યા છે.

યુવકનો મૃતદેહ મળ્‍યાના પાંચ દિવસ બાદ પોલીસે આ કેસમાં ચંદવાજીના રહેવાસી રાહુલ કંડેરા અને મોહનલાલ કંડેરાની ધરપકડ કરી હતી. પોલીસે હત્‍યાના આરોપસર બંનેને એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ જજની કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસે કોર્ટને જણાવ્‍યું કે તેમણે હત્‍યાના કેસમાં ૧૫ પુરાવા એકઠા કર્યા છે. જેમાં હત્‍યામાં વપરાયેલ છરી પણ હતી. જો કે, જયારે કોર્ટમાં પુરાવા આપવાનો સમય આવ્‍યો ત્‍યારે કોર્ટે કહ્યું કે વાંદરો પુરાવાવાળી થેલી લઈને ભાગી ગયો હતો.

હત્‍યામાં વપરાયેલ છરી સહિત અન્‍ય પુરાવા સાથે વાંદરો ભાગી ગયો હોવાની લેખિત માહિતી પોલીસે કોર્ટને આપી છે. પોલીસે કહ્યું કે તેઓએ પુરાવા એક થેલીમાં રાખ્‍યા હતા. વેરહાઉસ જગ્‍યાની અછતને કારણે થેલી પોલીસ સ્‍ટેશનમાં ઝાડ નીચે રાખવામાં આવી હતી. ત્‍યાંથી એક વાંદરો થેલી લઈને ભાગી ગયો. જયારે કોર્ટે પોલીસને પુરાવા રજૂ કરવા કહ્યું ત્‍યારે તેઓએ લેખિત નિવેદનમાં પુરાવા ભરેલી થેલી ચોરીની માહિતી આપી હતી.

(4:09 pm IST)