Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજુલા તાલુકાના માંડળ ગામે ડિગ્રી વગર કિલનિક ધરાવતા બોગસ તબીબ સામે આરોગ્‍ય અને પોલીસ વિભાગની લાલઆંખ

અમરેલી-રાજુલા,તા. ૪: અમરેલી જીલ્લામા બોગસ તબીબોનો રાફડો ફાટયો છે એમા ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમા આ પ્રકારના બોગસ તબીબોની સંખ્‍યા વધુ જોવા મળી રહી છે ત્‍યારે અમરેલી એલસીબી અને આરોગ્‍ય વિભાગની સયુંકત ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાજુલા તાલુકાના માડળ ગામે શાકમાર્કેટ એરીયામા,પ્રાથમિક સ્‍કૂલની સામે તપાસ હાથ ધરતાં અતુંભાઈ ધીરુભાઈ લાધવા પાસે મેડિકલ કાઉન્‍સલીંગનું કોઈપણ પ્રકારનું રજીસ્‍ટ્રેશન,ડીગ્રી કે લાયકાત વગર છેલ્લા ત્રણ વર્ષથી દર્દીઓના આરોગ્‍ય સાથે છેડા કરી માનવ જીંદગીને જોખમમાં મુકતા હોવાનુ જણાઈ આવેલ તેમજ ટીમને ચર્ચ ઓપરેશન દરમીયાન અહીંથી એલોપેથિક દવાઓ,શિડયુલ એચ ડ્રગ,સ્‍ટેથોસ્‍કોપ,બીપી મશીન,ઈન્‍જેક્‍શનો સહિતની ૫૨ પ્રકારની રૂ.૮૧૯૯૮ ની દવાઓ અને સાધનો જોવા મળેલ જે કાયદાકીય રીતે ડિગ્રીધારી તબીબ જ રાખી શકે ઉપરાંત ક્‍લિનિક પર તપાસ દરમિયાન બાયોમેડિકલ વેસ્‍ટના નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નહોતી કે ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળેલ નહિ.

એલોપેથીક સારવારને લગતી કોઈ પણ પ્રકારની સરકાર માન્‍ય ડિગ્રી ના જણાતા અને પોતે જાણતા હોવા છતા દર્દીઓને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડા કરતા હોવાનુ જણાતા તેમની સામે ઈ.પી.કો.કલમ ૩૬૬,ધ ગુજરાત મેડિકલ પ્રેક્‍ટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્‍સિલ એકટᅠ ૧૯૬૭ની કલમ ૨૯ અને ઈન્‍ડીયન મેડિકલ કાઉન્‍સિલ એકટ ૧૯૫૬ની કલમ ૧૫(૩) મુજબ ધોરણસરની કાર્યવાહી અમરેલી એલસીબી અને આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલᅠ

પોલીસ અને આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા અનુસાર આવા બોગસ તબીબો ગ્રામ્‍ય વિસ્‍તારોમા દર્દીઓને સસ્‍તી સારવાર આપવા સાથે સ્‍થાનિકોમા વિશ્વાસ સંપાદિત કરી પોતાની હાટડીઓ ચાલુ રાખવામા સફળ રહેતા હોય છે માટે લોકો દ્વારા જાગૃતતા કેળવી જો આવા બોગસ ડોકટરો વિશે સ્‍થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે જે યાદીમા જણાવેલ છે.

(1:31 pm IST)