Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભાવનગરના રાજવી કૃષ્‍ણકુમારસિંહજીને ‘ભારત રત્‍ન'થી નવાજવા પૂ. મોરારીબાપુનું નમ્ર સૂચન

રાજકોટ તા. ૪ : ભાવનગર શહેર તેમનો ૨૯૯મો જન્‍મદિવસ ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો ભાગીદાર થયાં છે. અને ભાવનગરને તેમના જન્‍મદિવસે શુભેચ્‍છા પાઠવી છે.

મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુભાઈ વાઘાણીને અને અન્‍ય સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્‍યક્‍ત કર્યો છે. સાથોસાથ બાપુએ આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે એક નમ્ર સુચન પણ કર્યું કે આઝાદીનો અમૃત મહોત્‍સવ અને ભાવનગરનો જન્‍મદિવસ તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્‍મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્‍છું છું. પણ ભાવનગર રાજયના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્‍છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા આ. કૃષ્‍ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્‍નથી સન્‍માનવા જોઈએ. એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારૂ઼ નમ્ર સુચન છે. ભાવનગર નું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું નામાભિધાન કરવામાં આવી શકે.ᅠ બાપુએ ભાવનગર રાજયના મહારાજાનું ગૌરવ વધે તે માટેના કરેલા નમ્ર સુચન માટે સૌ કોઈએ તેમને આવકાર આપી રાજકીય રીતે તેને બળ મળે તેમ સૌ કોઈ ભાવનગરવાસીઓ ઈચ્‍છી રહ્યાં છે.

(1:54 pm IST)