Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજયમાં કમોસમી વરસાદની આગાહી : ગરમીમાં ર-૩ દિવસ આંશિક ઘટાડો થશે

સૌરાષ્‍ટ્રના કેટલાંક વિસ્‍તારોમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન સાથે ઝાપટાની પણ શકયતા

અમદાવાદ, તા.૪: હાલ રાજ્‍યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્‍યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. કારણ કે, રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. ગરમીનો કહેર યથાવત છે.

ગઇકાલે અમરેલી અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો હતો. જેથી વાતાવરણમાં એકાએક પલટો આવ્‍યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. એટલુ જ નહિ, પાટણના ચાણસ્‍મામાં વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં અનેક દુકાનોના પતરા અને શેડ ઉડ્‍યા હતા.

રાજ્‍યમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. માર્ચ અને એપ્રિલ બાદ અને હવે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્‍જ અલર્ટ આપવામાં આવ્‍યું છે.

જો કે, ગુરૂવારથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુ, શુક્ર, શનિવારે અમદાવાદમાં તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીની અંદર રહેશે. અમદાવાદમાં ૭ મી મેથી ફરી ઓરેન્‍જ અલર્ટ રહેશે.

કાળઝાળ ગરમી વચ્‍ચે અમદાવાદમાં પાણીજન્‍ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્‍યો છે. એપ્રિલમાં કમળાના ૧૨૫, ટાઈફોઈડના ૧૫૨ કેસ, ઝાડાઉલ્‍ટીના ૮૪૩ કેસ નોંધાયા છે. તો બહેરામપુરામાં કોલેરાનો એક કેસ નોધાયો છે. પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજનું પાણી ભળી જવાના કારણથી આ કેસ વધી રહ્યાં છે.

(1:26 pm IST)