Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભાઇશ્રીની કથાનું શ્રવણ કરવાથી રાજકારણીઓનું કલ્‍યાણ થાય છે, અને તો જ પ્રજાનું પણ કલ્‍યાણ થશે : પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા

ભાગવત કથાના યજમાન દ્વારા સમરસતાના કાર્યો કરાઇ રહ્યા છે, જે સરકાર દ્વારા પોલીસી બનાવી કાયમી વ્‍યવસ્‍થા બનાવવી જરૂરી છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ : જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહજી વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા, અને તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્‍યવાણીથી રાજકારણીઓનું કલ્‍યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનોનું કલ્‍યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્‍યાણ થશે, તેવી વાત કરી હતી.

ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્‍યું હતું. જયારે ગઈકાલની પરશુરામ જયંતિની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્‍યમંત્રીના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્‍યું હતું.

ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહજી વાઘેલા તૃતીય દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌપ્રથમ હાજર રહ્યા હતા, ત્‍યારે ધારાસભ્‍ય અને યજમાન શ્રી હકુભા જાડેજા દ્વારા તેઓનું સન્‍માન કરાયો હતો, અને મોડી રાત્રી સુધી કલાકારો સાંઈરામ દવે તથા બ્રિજરાજદાન ગઢવીની લોક સાહિત્‍યની વાતો મન ભરીને માણી હતી.

ત્‍યારબાદ આજે ભાગવત કથાના ચતુર્થ દિવસે પ્રારંભ સમયે પણ ઉપસ્‍થિત રહ્યા હતા, અને પૂજય ભાઇજીની કથાનું શ્રવણ કર્યું હતું. જેઓએ કથા પ્રારંભ પહેલાં પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું, કે વિશ્વ વિખ્‍યાત પૂજય રમેશભાઈ ઓઝાની દિવ્‍ય વાણી સાંભળવાથી તમારા જેવા રાજકીય આગેવાનોનું જરૂરથી કલ્‍યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનનું કલ્‍યાણ થશે, તો જ પ્રજાનું કલ્‍યાણ થશે. જેથી અમારા જીવનમાં પૂજય ભાઈશ્રીની કથા ખૂબ જ મહત્‍વની છે.

તેઓએ ધર્મ- ધર્મની લડાઈ નહીં પરંતુ માનવતાનો ધર્મ પાળવા માટેની વાત કરી છે, ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પોતાની માતાની સ્‍મૃતિમાં આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેનો અનેક હાલારવાસીઓ લાભ મેળવી રહ્યા છે.

ઉપરાંત પ્રતિદિન આરતીના અનાથ બાળકો, ગંગાસ્‍વરૂપા બહેનો, દલિત સમાજ, આદિવાસી સમાજ, વગેરેને સમરસતાના ભાગરૂપે જોડવાના જે પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. એટલું જ માત્ર નહીં, હકુભા જાડેજા દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે, તે તો ટોકન માત્ર છે.

પરંતુ સરકાર દ્વારા આ સમરસતાના ભાવને પોલીસી બનાવીને તેને કાયમી વ્‍યવસ્‍થા ઉભી કરવી જોઈએ તેવો પણ ભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાતની વિધવા બહેનો કે જેઓને ઘેર બેઠા ઘર ખર્ચ માટે ના પૈસા મળતા રહે, તેવી કાયમી વ્‍યવસ્‍થા થવી જોઈએ, તેમજ આવા સમરસતાના પ્રત્‍યેક કાર્ય પોલિસીના ભાગરૂપે ચાલુ રહેવા જોઈએ, તેવી વાત કરી હતી.

ગઈકાલના દિવસને વિશેષરૂપે યાદ કર્યો હતો, અને અક્ષય તૃતીયાની તિથિ, પરશુરામ જયંતી, અને ઈદના તહેવાર વિશે વાત કરતાં જણાવ્‍યું હતું, કે વર્ષો પહેલાં પોતે જયારે મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે પરશુરામ ભક્‍તો એવા લોકોએ પોતાની પાસે આવીને વાત કરી હતી, કે પરશુરામ ભગવાનના જન્‍મ જયંતીના દિવસે પણ રાજય સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે, અને મેં ક્ષત્રિય અગ્રણી તરીકે જે તે વખતે પરશુરામ જયંતિની રજા જાહેર કરી હતી, અને તે ગુજરાતમાં હજુ સુધી ચાલુ છે. તેવી યાદ અપાવી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:19 pm IST)