Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જામનગરમાં લોકડાયરાના મંચ પરથી વ્‍યસનમુકિત માટેનો સાંઇરામ દવે તેમજ બ્રિજરાજદાન ગઢવીએ સંદેશો પાઠવ્‍યો

હનુમાન ચાલીસાના પાઠની સાથે હજારો શ્રોતાગણના મોબાઇલની ટોર્ચની લાઇટથી સમગ્ર કથામંડપ ઝળહળી ઉઠયો

જામનગર : જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના હાસ્‍ય કલાકાર સાંઈરામ દવે તેમજ લોક સાહિત્‍યકાર બ્રીજરાજદાન ગઢવી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બંને કલાકારોએ વ્‍યસનમુક્‍તિ માટેનો ખાસ સંદેશો આપ્‍યો હતો. હાસ્‍ય કલાકાર સાંઇરામ દવેએ હાસ્‍યની છોળો વહેતી મૂકી હતી, અને કથા મંડપમાં ઉપસ્‍થિત સૌને દિલ ખોલીને હસાવ્‍યા હતા. એટલું જ માત્ર નહીં વર્તમાન સંજોગોની કેટલીક વાતો પણ કરી હતી. સાથોસાથ દેશના અનેક વીર શહીદોને યાદ કરીને તેઓના ઈતિહાસને વાગોળ્‍યો હતો. એટલું જ માત્ર નહીં તેઓની શહાદત એળે ન જાય તે માટે યુવાનોએ વ્‍યસનને છોડી ને ભારતનું નામ વધુ ને વધુ રોશન થતું રહે તે દિશામાં આગળ વધવા સંદેશો આપ્‍યો હતો. બ્રિજરાજદાનભાઈ ગઢવી એ પણ લોક સાહિત્‍યની અનેક વાતો કરી હતી, અને દોહા- છંદની રમઝટ બોલાવી હતી. સાથોસાથ યુવાનોને તમામ પ્રકારના વ્‍યસનથી દૂર રહેવા વિનંતી કરી હતી. જે યુવાન વ્‍યસનમુક્‍તિ અપનાવીને એક વર્ષ પછી પોતાને યાદ કરશે, તો તેની વ્‍યસન મુક્‍તિ પાછળ વિનામૂલ્‍યે ફરીથી જામનગરમાં ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેવી બાંહેધરી આપી હતી. ત્‍યારબાદ મંચ પરથી હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું, ત્‍યારે સૌ શ્રોતાગણોને તાલીઓ ની સાથે હનુમાન ચાલીસાના પાઠ કરાવાયા હતા. સાથોસાથ અંતિમ ચાર પંક્‍તિમાં તમામ શ્રોતાગણોને પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ ચાલુ કરીને હાથ ઊંચા કરવાનો સંદેશો આપ્‍યો હતો, ત્‍યારે સમગ્ર કથા મંડપમાં હજારો મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ શરૂ થઇ ગઈ હતી, અને મંડપની મુખ્‍ય લાઇટ બંધ કરતાં મોબાઇલ ફોનની ટોર્ચ લાઈટ થી જ કથા મંડપ ઝળહળી ઊઠયો હતો. જેનો અદભૂત નજારો નિહાળીને યજમાન પરિવાર તથા મંચસ્‍થ કલાકારોએ પણ રાજીપો અનુભવ્‍યો હતો. બંને કલાકારો દ્વારા અંતમાં રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ તેમજ હર હર મહાદેવના નાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાવી હતી. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:17 pm IST)