Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કલ્‍યાણપુર નજીક કારની હડફેટે મહિલાનું કરૂણ મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૪ : કલ્‍યાણપુરથી આશરે ર૪ કિલોમીટર દુર લીંબડી હાઇવે પર પુર ઝડપે અને બે ફિકરાઇપુર્વક જઇ રહેલી જી.જે.૧૮.બી.જે. ૯૪૦૦ નંબરની ક્રેટા કારના ચાલકે આ માર્ગ પર ચાલીને જઇ રહેલા સમજુબેન ગામી નામના  એક કડવા પટેલ મહિલાને હડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્‍યુ નીપજયુ હતુ. આ બનાવ અંગે મોરબી તાલુકાના રહીશ દિલીપભાઇ બચુભાઇ ગામી (ઉ.વ.પ૭)ની ફરિયાદ પરથી તેમના ભાભી સમજુબેનનું મોત નીપજાવવા સબબ કલ્‍યાણપુર પોલીસે ક્રેટા કારના ચાલક સામે આઇપીસી કલમ ર૭૯, ૩૦૪ (એ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કુવો ગાળતા યુવાન

પર પથ્‍થર પડતાં કરૂણ મોત

કલ્‍યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા જીવાભાઇ મેરામણભાઇ મોઢવાડીયાની વાડીમાં આવેલા એક કુવાને ગાળવાનું કામ કરવા માટે બોલાવવામાં આવેલા રાજસ્‍થાન રાજયના રાજસમદ જિલ્લાના ભીમ તાલુકાના મુળ રહીશ હુકમસિંહ રૂપસિંહ રાજપુત નામના ૩પવર્ષના યુવાન તેમની સાથે અન્‍ય બે શ્રમિકોને લઇને જીવાભાઇની વાડીએ કુવો ગાળી રહયા હતા. ત્‍યારે કુવાની ભેખડમાંથી એક તોતિંગ પથ્‍થર તુટીને અંદર કામ કરી રહેલા હુકમસિંહ રાજપુતના માથા પર પડતાં તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત હાલતમાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

 આ બનાવની જાણ છોટુસિંહ આસુસિંહ રાજપુત (રહે.અજમેર - રાજસ્‍થાન)એ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

જુગાર રમતા નવ

શખ્‍સો ઝડપાયા

મીઠાપુર તાબેના આરંભડા વિસ્‍તારમાં બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર કુટતા દાઉદ ઇબ્રાહીમ ઇસાણી, સોહિલ મહમદ હનીફ રાઠોડ, આરીફ જુનેશ સિંધી, હનીફ ઇસ્‍માઇલ બોલીમ, મામદ અબ્‍બાસ ધાવડા અને સમીર સાલેમામદ સોઢા નામના છ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્‍સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૧૦,૧પ૦નો મુદામાલ કબ્‍જે કર્યો છે.

અન્‍ય દરોડામાં દ્વારકા પોલીસે નવા ગોમીતઘાટ પાસેથી ગંજીપાના વડે પૈસાની હારજીતની કરતા રાકેશ રામજી રાઠોડ, સંજય રામજી મકવાણા અને ગીગાભના પરમાર નામના ત્રણ શખ્‍સોને ઝડપી લઇ રૂા.૧૮૪૦નો મુદામાલ કબ્‍જે કર્યો છે.

કલ્‍યાણપુરમાંથી પીધેલો

બાઇક ચાલક ઝડપાયો

કલ્‍યાણપુરથી આશરે ૧૬ કિ.મી. દુર ચાચલાણા રોડથી પરથી રૂપિયા વીસ હજારની કિંમતનું મોટર સાયકલ લઇને કેફી પીણુ પીધેલી હાલતમાં જઇ રહેલા ચાચલાણા ગામના લાખા ગંધાભાઇ મકવાણા નામના ૩૯ વર્ષના શખ્‍સને પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી.એકટની કલમ ૧૮પ મુજબ કાર્યવાહી કરી હતી.

આરંભડાનો  શખ્‍સ

હથિયાર સાથે ઝડપાયો

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા સમીર સાલેમામદ સોઢા નામના શખ્‍સને પોલીસે લોખંડના પંચ (હથિયાર) સાથે નીકળતા ઝડપી લઇ તેની સામે જી.પી.એકટની કલમ ૧૩પ(૧) મુજબ કાર્યવાહી કરી હતી. 

(1:14 pm IST)