Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘શૌર્યભૂમિ' ધંધુકા ખાતે ‘મેઘાણી-ગીતો' ગૂંજયાં

‘મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસ, સંગીતકાર પંકજ ભટ્ટ તથા હાસ્‍યકાર હરિસિંહ સોલંકીએ રમઝટ બોલાવી

રાજકોટ તા. ૩ : આઝાદીની લડત વેળાએ ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા સ્‍થિત તે સમયનો ડાક બંગલા અને હાલ જિલ્લા પંચાયતનાં રેસ્‍ટ-હાઉસ ખાતે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્‍ય છેલ્લી પ્રાર્થના ગાયું ને મેજિસ્‍ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. તે વખતની સ્‍વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ પ્રસંગનો ખાસ્‍સો પ્રભાવ પડ્‍યો હતો.

આઝાદી કા અમૃત મહોત્‍સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત શૌર્યભૂમિ ધંધુકા સ્‍થિત જિલ્લા પંચાયતનાં ઐતિહાસિક રેસ્‍ટ-હાઉસ ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્‍ય આયોજન થયું હતું. ગુજરાતના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્‍યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. હાસ્‍યકાર હરિસિંહ સોલંકીએ, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ વાતો કહી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન હતું. વિશ્વભરમાં વસતાં ૨૦ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ માણ્‍યું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્‍ય-સંગીત-સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજય તેમજ કમિશ્રરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ઉપક્રમે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. 

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્‍ય ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્‍ય અને વંદેમાતરમ્‌ ટ્રસ્‍ટના સ્‍થાપક ભરતભાઈ પંડ્‍યા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્‍ય લાલજીભાઈ મેર, ધંધુકા નગરપાલિકાના પ્રમુખ હર્ષદભાઈ ચાવડા અને કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહદેવસિંહ ચુડાસમા, મંત્રી માધવીબેન દિક્ષીત અને કોષાધ્‍યક્ષ ચેતનસિંહ ચાવડા, ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા અને મહામંત્રી ગગજીભાઈ ભરવાડ, યુવરાજસિંહ ગોહિલ, ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ અને મહામંત્રી મયુરસિંહ ચુડાસમા, તુષારભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સતિષભાઈ ટુંડીયા અને બાંધલકામ સમિતિના પૂર્વ ચેરમેન દિગપાલસિંહ ચુડાસમા (આંબલી), નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ રામી, ધંધુકા એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા), કમલેશભાઈ રાઠોડ (બરવાળા), નરેન્‍દ્રભાઈ દવે (રાણપુર), હરિશ્ચંદ્રસિંહ ચુડાસમા (તગડી), ધંધુકા વેપારી મહામંડળના શરદભાઈ ભાવસાર અને અમલભાઈ ગાંધી, ડો. દિલીપસિંહ બારડ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, સેક્રેટરી હરદેવસિંહ રાણા, અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ, ભરતભાઈ કારાણી (દુબઈ), રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, લલિતભાઈ વ્‍યાસ, પીયૂષભાઈ વ્‍યાસ અને વિનોદભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. કાર્યક્ર્‌મને સફળ બનાવવા ધંધુકાના પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા - વંદેમાતરમ્‌ ટ્રસ્‍ટ અને સાથીઓ, લોકગાયક અભેસિંહ રાઠોડ અને પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનએ લાગણીથી પ્રેરાઈને જહેમત ઉઠાવી હતી.    ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા ઝવેરચંદ મેઘાણી ટુરિઝમ સર્કિટ અંતર્ગત જિલ્લા પંચાયતનાં ઐતિહાસિક રેસ્‍ટ-હાઉસનો પ્રવાસન સ્‍થળ તરીકે વિકાસ કરવામાં આવશે.(૨૧.૧૬)

 વિશ્વભરમાં વસતાં ૨૦ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghaniપર જીવંત પ્રસારણ માણ્‍યું : ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્‍ય ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(12:10 pm IST)