Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

દ્વારકાધીશના મંદિરમાં અક્ષય તૃતિયાનો ધર્મોત્‍સવ શ્રીજીને શીતળતા પ્રદાન કરતા ‘ચંદન વાઘા'ના શૃંગાર મનોરથ દર્શન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૩ : અક્ષય તૃતીયાના શુભદિનથી દ્વારકાધીશ જગતમંદિરમાં તેમજ અન્‍ય વૈષ્‍ણવ સંપ્રદાયોના મંદિરોમાં ભગવાનને ગરમીની ઋતુમાં કષ્‍ટ ન પડે તે માટે અને વધુ સારી સુખાકારીમાં પ્રભુ રહી શકે એવી ભાવનાથી ઠાકોરજીના પુજારીઓ, સેવકો, ભકતો, પોતાની શ્રધ્‍ધા અને શકિત મુજબ પ્રભુની સેવા કરે છે. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ બપોરે ૧૨ કલાકે અક્ષય તૃતિયાના ચંદનવાઘાના દૈદિપ્‍યમાન શૃંગાર મનોરથ સાથે વિશેષ આરતી સહિતના ધાર્મિક આયોજનો યોજાયા હતા.

શ્રીમદ્‌  ભાગવત અનુસાર અક્ષર તૃતિયાથી ત્રેતાયુગનો પ્રારંભ

શ્રીમદ ભાગવતના કથન મુજબ અક્ષય તૃતિયાના દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. અક્ષય તૃતિયા એવી તિથિ છે જેની કદી ક્ષય થતો નથી. જેથી એવી માન્‍ય છે કે અક્ષય તૃતિયા દિવસે કરેલ દાન-પુણ્‍યને કદી ક્ષય થતો નથી. ગઇ કાલના દિવસે ઋતુમાં ફેરફાર થતો હોવાથી ગરમીમાં વધારો થાય છે. જેના કારણે શીતલ વસ્‍તુઓ જેવી કે હાથપંખા, શકકટેટી, કેરી, માટીનો ઘડો વગેરે ઠંડક આપનાર વસ્‍તુઓના દાન કરવાનો મહિમા છે.

ઠાકોરજીને શીતળ વસ્‍તુઓનો ભોગ અર્પણ

શ્રી દ્વારકાધીશજી મંદિરમાં અક્ષય તૃતિયાના દિવસે શ્રીજીને સવારે શૃંગાર સુધીના નિત્‍યક્રમ બાદ વિશેષ સ્‍નાન કરાવીને પ્રભુના શ્રીઅંગમાં ચંદન લેપન કરી ‘ચંદન વાઘા'ના શૃંગાર બાદ વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્‍યો હતો. જેમાં ગરમાળુ, કેરી, આંબળાનો મુરબ્‍બો, સાકરટેટી, સતુના લાડુ વગેરે શીતળતા પ્રદાન કરનારી સામગ્રી સાથે નિત્‍યક્રમનો ભોગ શ્રીજીને અર્પણ કરવામાં આવ્‍યા હતા. બાદ બપોરે ૧૨ કલાકે વિશેષ આરતી કરવામાં આવેલ. આરતી બાદ પ્રભુને અર્પણ કરેલ ગરમાળાની પ્રસાદીનું ભકતોને વિતરણ કરવામાં આવેલ.

અક્ષયતૃતિયાથી અષાઢી બીજ સુધી ઠાકોરજીને ગ્રીષ્‍મકાલીન શૃંગાર

ભાવિકોએ આ પ્રસાદ આરોગી પ્રભુના ભકતો, પ્રભુની શીતળાની સાથે પોતાના તનની પણ શીતળતાનો અનુભવ કરી ધન્‍યતા અનુભવી હતી. અક્ષય તૃતિયાથી ગ્રીષ્‍મ ઋતુના વધુ પ્રભાવની અસર પ્રભુશ્રી દ્વારકાધીશ પર ન પડે એવી ભાવના સાથે અષાઢી બીજ સુધી પ્રભુશ્રીની સેવા-શૃંગાર વગેરેમાં બદલાવ લાવવામાં આવે છે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)

(11:02 am IST)