Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કચ્‍છના સાપેડા ગામે અનુ.જાતિના રાશન શાકભાજી બંધ કરી સામાજિક ભેદભાવ રાખવાનો આક્ષેપ

રાજકીય અગ્રણી સહિત ૫ સામે જાતિ અપમાનિત કરી માર કરવાની ફરિયાદ : પોલીસે સમયસર પહોંચી મામલો સંભાળ્‍યો : રાશન પાણી ચાલુ જ છે સરપંચનો ખુલાસો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ : કચ્‍છના અંજાર તા.ના સાપેડા ગામે અનુસૂચિત જાતિના લોકોનું રાશન પાણી બંધ કરવાના આક્ષેપે ચકચાર સર્જી છે. ગામના સરપંચે આવી જાહેરાત કરી હોવાનાᅠ ત્રણ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે, આ બનાવની જાણ થતાં જ અંજાર પોલીસ તુરત જ સાપેડા ગામે પહોંચી ગઈ હતી અને મામલો સંભાળી લીધો હતો.

બન્ને સમાજ સાથે બેઠક યોજી શાંતિ સ્‍થાપવાના પોલીસે પ્રયાસો આદર્યા હતા. દરમ્‍યાન અંજાર તા. મહેશ્વરી સમાજના પ્રમુખ નારાણભાઈ ધુવાએ જણાવ્‍યું હતું કે, ગામના બે ચાર જણાની ખરાબ માનસિકતા ને કારણે આખો સમાજ બદનામ થાય છે.

આવી ઘટનાઓને અમે વખોડી તેની નિંદા કરીએ છીએ. તંત્રને ભવિષ્‍યમાં સજાગ રહેવા અપીલ છે. દરમ્‍યાન જેમના ઉપર આક્ષેપ છે એ સાપેડા ગામના સરપંચ માદેવાભાઈ મેમાભાઈ ડાંગરે ગામમાં ચીજ વસ્‍તુ આપવા અંગે કોઈ પણ મનાઈ કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ અંગે લાઉડસ્‍પીકર મારફતે ગામમાં જાણ કરી કોઈને પણ ચીજ વસ્‍તુ લેવામાં મુશ્‍કેલી પડે તો પોતે અપાવી દેશે એવું જણાવાયું હતું.

દરમ્‍યાન આ વિવાદ વચ્‍ચે ગામના મહિલા ધનબાઈ કેશવજી મહેશ્વરીએ ૫ જણ સામે માર મારવાની અને જાતિ અપમાનિત કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર દૂધ લેવા ગયેલા તેમના પૌત્ર પ્રદીપને બસ સ્‍ટેશન પાસે રમેશ શામજી ડાંગર (કચ્‍છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાના પતિ, રાજકીય અગ્રણી), લખા ચોથા મરંડ, સંદીપ શંભુ ડાંગર, શીવજી મ્‍યાજર ડાંગર, ગોપાલ અરજણ ડાંગરે અહીં શા માટે નીકળ્‍યો છો એવું કહી પત્‍થર વડે માર માર્યો હતો.

જેની જાણ થતાં ધનબાઈ અને તેમના પુત્ર અરવિંદ ત્‍યાં પહોંચી ગયા હતા. જયાં એ બન્નેને જાતિ અપમાનિત કરી માર મરાયો હતો. જેને કારણે પુત્ર અરવિંદને સામાન્‍ય ઈજાઓ તેમ જ પૌત્ર પ્રદીપ ને માથામાં ટાંકા આવ્‍યા હતા. આ બનાવ અંગે પાંચેય આરોપીઓ પોલીસ ફરિયાદ કરાઈ હતી. જોકે,ચીજ વસ્‍તુ નહીં આપવાના ભેદભાવ અંગે વીડિયો વાયરલ થયા બાદ અનુ. સમાજના આગેવાનો સાપેડા ગામે દોડી આવ્‍યા હતા પરંતુ ગામમાં શાંતિનો માહોલ, સરપંચનો ખુલાસો અને પોલીસ બંદોબસ્‍ત નિહાળી પાછા ફર્યા હતા.

(11:00 am IST)