Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કચ્‍છની ક્રીક સીમાએ ફરજ બજાવતો જવાન પોતાની બંદૂકની ગોળીથી ઘવાયો : દરિયામાં હાલકડોલક થતી બોટમાં અકસ્‍માતે ગોળી છૂટી

ગંભીર હાલતમાં હેલિકોપ્‍ટર દ્વારા ભુજ સારવાર માટે દાખલ કરાયો

(ભુજ) કચ્‍છની ક્રીક સીમાએ તૈનાત બોર્ડર સિક્‍યોરીટી ફોર્સનો જવાન વિચિત્ર અકસ્‍માતમાં પોતાની જ રાયફલથી વછૂટેલી ગોળીથી વીંધાયો છે. ઘાયલ કોન્‍સ્‍ટેબલ પ્રતાપને હેલિકોપ્‍ટરથી ભુજ લવાઈ જી.કે. જનરલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

ગંભીર હાલતમાં તેની સારવાર ચાલી રહી છે. બીએસએફ દ્વારા જણાવાયું કે રાત્રે સાડા બાર કલાકે કોન્‍સ્‍ટેબલ પ્રતાપ ક્રીક પેટ્રોલીંગ પાર્ટી સાથે ડ્‍યુટી બજાવીને ક્રીકમાં તૈનાત ફલોટીંગ બીઓપી (તરતી ચોકી) પર પરત ફર્યો હતો.

ફલોટિંગ બીઓપી પર તે તેની રાયફલ જમા કરાવતો હતો તે સમયે વેગીલા પવન અને આઠથી તેર ફૂટ સુધી ઉછળતાં મોજાંના કારણે હાલક-ડોલક થતી તરતી ચોકીમાં પ્રતાપ અચાનક નીચે પડી ગયો હતો. આ સમયે તેના હાથમાં સર્વિસ રાયલ હતી અને અકસ્‍માતે ટ્રીગર દબાઈ જતાં એક ગોળી ફાયર થઈ હતી. આ ગોળી તેની જમણાં પેઢુમાં ઘૂસી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોન્‍સ્‍ટેબલ પ્રતાપને તરત જ પ્રાથમિક સારવાર અપાઈ વાયુદળના હેલિકોપ્‍ટર મારફતે એરલિફટ કરાઈ ભુજ જી.કે. જનરલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. હાલ તેની હાલત નાજૂક હોવાનું બીએસએફએ જણાવ્‍યું છે.

(10:58 am IST)