Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પોરબંદરની ડો.ગોઢાણીયા બી.એડ કોલેજનો દીક્ષાંત સમારંભ યોજાયોઃ અભિવ્‍યકિત અંકનું વિમોચન

પોરબંદર, તા.૪: માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત ડો.વિ.આર. ગોઢાણીયા બી.એડ કોલેજનો ૧૫મો દીક્ષાંત સમારોહ સંપન્‍ન થયો હતો.

ગોઢાણીયા બી.એડ કોલેજના પ્રાચાર્યા અને એકટીવ ટ્રસ્‍ટી ડો.હિનાબેન ઓડેદરાએ સમગ્ર વર્ષ દરમિયાન થતી શૈક્ષણિક અને સહ અભ્‍યાસ પ્રવૃતિઓની વિગતો સાથે સંકુલમાં ચાલતા અભ્‍યાસક્રમોની રૂપરેખા પ્રસ્‍તુત કરીને સૌને આવકાર્યા હતા.

ગોઢાણીયા બી.એડ કોલેજના ૧૫માં દપ્‍ક્ષંત સમારોહનું મંગલદીપ પ્રગટાવી ખૂલ્લો મૂકતા પોરબંદરના રામ-કૃષ્‍ણ મિશન મેમોરિયલના સ્‍વામી હરિહર મહારાજે સ્‍વામી વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારોમાં આત્‍મ શ્રધ્‍ધા, આત્‍મવિશ્‍વાસ, આત્‍મ નિર્ભરતા, આત્‍મ સંયમના વિચારો વિવિધ ઉદાહરણો આપી જણાવ્‍યું હતુ કે જે વસ્‍તુ તમને ચેલેન્‍જ કરે છે એ જ તમોને ચેઇન્‍જ કરી શકે છે પ્રત્‍યેક વ્‍યકિતમાં દિવ્‍યતા રહેલી છે.

ડો.વિ.આર.ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો.ઇશ્‍વરલાલ ભરડાએ જણાવ્‍યું હતુ કે મેન મેકિંગ કેરેકટર બિલ્‍ડીંગ એજયુકેશન એ રાષ્‍ટ્રની માંગ છે આજના માહોલમાં નીતિમતાના મૂલ્‍યોનું ધોવાણ માટે અધકચરું શિક્ષણ જવાબદાર છે.

રાણાવાવ જાંબુવાન ગુફા રામેશ્‍વર ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખશ્રી શારર્દૂલભાઇ મકવાણાએ જણાવ્‍યું હતું કે અણમોલ મણી માટે યુધ્‍ધ થયેલુ તે આ અતિ પુરાતત્‍વીય પૌરાણિક જાંબુવાન ગુફા છે. આ પવિત્ર જગ્‍યાએ શ્રીકૃષ્‍ણ ભગવાનના જાંબુવતી સાથે વિવાહ નિર્ધારિત થાય છે. ગુફાની રેતીમાં સુવર્ણભસ્‍મ હોવાથી ગુફાનું પાણી કેન્‍સરના દર્દીઓ માટે ઉપકારક છે કોઇ વ્‍યકિત પર ચોરીનું ખોટુ આળ ચડાવ્‍યું હોય તો આ ગુફાને યાદ કરવાથી તેમાંથી મુકત થાય છે. તેમણે આ ભૂમિને યોગ ભૂમિ ગણાવી હતી.

કોલેજના મુખપત્ર ‘અભિવ્‍યકિત' અંકનું સ્‍વામી હરિહર મહારાજના હસ્‍તે વિમોચન કરાયુ હતું. ગોઢાણીયા સંકુલના ટ્રસ્‍ટ પ્રમુખ દાતા અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયા લિખિત ‘કવોલીટી એજયુકરોન' તેઓને અર્પણ કરાયુ હતું. સો જેટલા બી.એડના શિક્ષાર્થીઓને રામકૃષ્‍ણ મિશન મેમોરીયલ દ્વારા સ્‍વામી વિવેકાનંદનું સફળતાના સોપોનો પુસ્‍તક ભેટ સ્‍વરૂપે આપવામાં આવ્‍યુ હતું.

ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા તથા એકટીવ ટ્રસ્‍ટી ભરતભાઇ વિસાણાએ દીક્ષાંત સમારોહના નવતર પ્રયોગને આવકારી શુભેચ્‍છા પાઠવી હતી.

કોલેજના વિદ્યાર્થીની આરતીબેને પ્રાર્થના રજુ કરી હતી. પ્રોફેસર મનિષાબેન ઓડેદરાએ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના બી.એડ કોલેજનો અહેવાલ પ્રસ્‍તુત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા.જાનકીબેન જોષીએ સંભાળ્‍યુ હતું. આભારવિધિ પ્રા.જલ્‍પાબેન ઓડેદરાએ કરી હતી.

કાર્યક્રમમાં સમાજ શ્રેષ્‍ઠી શ્રી બાબુભાઇ ચૌહાણ, નારણભાઇ ભૂવા, નવઘણભાઇ સગારકા, ટ્રસ્‍ટના પર્સનલ સેક્રેટરી કમલેશભાઇ થાનકી, પ્રો.બ્રીજેશભાઇ દેસાર, જળરાભાઇ આગવઠ, મનીષાબેન, દક્ષાબેન મોકરીયા, સંધ્‍યાબેન વાજા, દર્શનાબેન સોલંકી, પરીક્ષિતભાઇ મહેતા ગ્રંથપાલ જાગૃતિબેન કારીયા, સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ બાલુભાઇ ઉપાધ્‍યાય સહિત બી.એડ કોલેજના પ્રશિક્ષણાર્થી ભાઇ-બહેનો તેમજ જાંબુવાન ગુફાના સદસ્‍યો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા.

(10:58 am IST)