Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારે જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે

આજે રાંધણ છઠ્ઠ, કાલે સીતળા સાતમ ઉજવાશેઃ લોકમેળાની મજા સાથે રજાનો માહોલ

રાજકોટ, તા. ૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ 'જન્માષ્ટમી' પર્વ સોમવારે ધામધૂમથી ઉજવાશે. લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

આજે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે થેપલા બનાવીને કાલે સીતળા સાતમના દિવસે ઠંડો ખોરાક ખાવામાં આવશે.

લોકમેળાની સાથે જન્માષ્ટમી પર્વ ભવ્યતાથી ઉજવાશે અને રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જેતપુર, ગોંડલ સહિત અનેક જગ્યાએ લોકો મેળાની મજા માણશે.

જન્માષ્ટમી પર્વને લઈને રજાનો માહોલ છવાયો છે.

માળીયાહાટીના

માળીયાહાટીનાઃ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીના રોજ તા. ૩-૯-૧૮ને સોમવારે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ખૂબજ ધામેધૂમે ઉજવાશે.

સવારે ૮ કલાકે રેલ્વે સ્ટેશનેથી વાજતેગાજતે ડીજે બેન્ડવાજા સાથે ફટાકડાની આતશબાજી સાથે એક ભવ્ય સેટાળા પાક્કા કળશધારી કુમારીકા સાથે નિકળશે. સ્ટેશન દરવાજા ચોક, કટલેરી બજાર, પંચહાટડા રોડ, મેઈન બજાર, લીમડા ચોક, કોર્ટ ચોક થઈને બપોરે એક વાગ્યે હવેલી ખાતે પૂર્ણ થશે.

વિંછીયા

ભાવનગરઃ વિંછીયા પાસે મોટામાત્રા ગામે આવેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર વડવાળા હનુમાનજગ્યામાં ભોળુડા મહંત પૂ. શ્રી ભાણદાસબાપુ સદગુરૂ શ્રી મનોહરદાસબાપુના સાનિધ્યમાં જન્માષ્ટમીની ધામેધૂમેથી ઉજવણી થનાર છે. અત્રે બિરાજમાન સ્વયંભુ વાસુકી દાદા સ્થાનમાં લાલાજી વધાઈ આપવા દેશ-દેશાવરથી સમગ્ર માલધારી સમાજ ખાસ હાજર રહેશે. ધર્મોત્સવનો લાભ લેવા મહંત શ્રી ભાણદાસબાપુએ જણાવ્યુ છે. હાલ આ વડવાળા હનુમાન જગ્યાનું નવનિર્માણ કાર્ય ભકતજનોના અનુદાનથી વેગવંતુ થયુ છે. માહિતી માટે મો. ૯૮૨૪૦ ૩૫૫૬૯, મો. ૭૬૦૦૪ ૬૩૭૨૩નો સંપર્ક સાધવો.

ઉપલેટા

ઉપલેટાઃ મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભરાતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી જુનો ઐતિહાસિક લોકમેળો છે. જેને માણવા ઉપલેટા શહેર તથા આજુ બાજુના ૬૦ થી વધુ ગામોના લોકો મેળો માણવા ઉમટી પડે છે.

દ્વારદાધીશ યુવા ગ્રુપ આયોજીત આ લોકમેળાનું કાલે રવિવારે બપોરના ૩ વાગ્યે ધોરાજી-ઉપલેટાના યુવા ધારાસભ્ય લલીતભાઈ વસોયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે ન.પા.ના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, રાજપુત સમાજના પ્રમુખ રણુભા જાડેજા, નગરશેઠ અમીતભાઈ શેઠ, ક્રિષ્ના ગ્રુપના મયુરભાઈ સુવા, પીઠળ ગ્રુપના લાલાભાઈ માસ્તર સહીતના આગેવાનો-યુવાનો હાજર રહેશે. ત્રણ દિવસના આ લોકમેળો માણવા લોકોને દ્વારકાધીશ ગ્રુપે ભાવભર્યુ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

વાંકાનેર

વાંકાનેરઃ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ અને સમિતિના અધ્યક્ષ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાનીમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરેથી સવારે ૯.૦૦ વાગ્યે પ્રસ્થાન પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે અને નક્કી કરવામાં આવેલ રૂટ ઉપર ફરી જીનપરા ચોકમાં બપોરે પૂર્ણ થશે.

શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ ઉપરાંત શણગારેલા વાહનો, ધૂન મંડળો, રાસ મંડળો, સંતો-મહંતો સાથે સમસ્ત હિન્દુ સમાજ જોડાય છે. આ શોભાયાત્રામાં માલધારી સમાજ પણ બહોળી સંખ્યામાં જોડાશે. અને રાસ-હુડોની રમઝટ સાથે નંદલાલાનો જન્મદિવસ ઉજવવા થનગની રહ્યો છે.

ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે ગઈકાલે સાંજે અત્રેની ગરાસીયા બોર્ડીંગમાં મળેલ મીટીંગમાં શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ કેશરીદેવસિંહજી ઝાલા સાથે માલધારી સમાજના અગ્રણીઓ નાત પટેલ ગેલાભાઈ હિન્દુભાઈ, સમુહલગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ બાંભવા, ગૌપાલક કુમાર છાત્રાલયના સંચાલક ડાયાભાઈ સરૈયા, કેરાળા મંદિરના પ્રકાશ ભગત, ઘોઘાભાઈ ઉકાભાઈ, બુટાભાઈ મુંધવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જન્માષ્ટમીની શોભાયાત્રામાં ગામેગામથી માલધારી સમાજ બહોળી સંખ્યામાં જોડાશે અને ભગવાનનો જન્મોત્સવ ભકિતભાવ સાથે ઉજવશે.

આ મીટીંગમાં અગત્યની ચર્ચામાં શોભાયાત્રા દરમ્યાન અબીલ-ગુલાલ ખૂબ ઉડાડવામાં આવે છે. જે આ વર્ષે શોભાયાત્રામાં અબીલ-ગુલાલ નહી ઉડાડવા સર્વે ભાવિકોને સમિતિના અધ્યક્ષ અને માલધારીઓએ અપીલ કરી છે.

કેમીકલયુકત અબીલ-ગુલાલને લઈને શરીરમાં થતા ચામડીના રોગચાળા અને દ્રષ્ટિને થતુ નુકશાન આ વાતને ધ્યાનમાં લઈ શોભાયાત્રામાં અબીલ-ગુલાલ નહી ઉડાડવા અપીલ કરવામાં આવી છે. આ મીટીંગમાં ભરતભાઈ ઓઝા, અમરશીભાઈ મઢવી, અમુભાઈ ઠાકરાણી, વિપુલભાઈ ભાનુશાળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાળીયા

ખંભાળીયાઃ સોમવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે.

જન્માષ્ટમી પર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત ઉપક્રમે વિવિધ ધર્મમય કાર્યક્રમો યોજાયા છે.

સોમવાર તા. ૩ના રોજ જન્માષ્ટમી પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુકત ઉપક્રમે છેલ્લા સતત ૪૦ વર્ષથી યોજાતી આ શોભાયાત્રા સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે અત્રે શ્રી ગોવર્ધનાથજીની હવેલીથી શરૂ થઈ પાંચહાટડી ચોક, લુહાર શાળ, ઝવેરી બજાર, માંડવી ટીંબો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મેઈન બજાર, રામ મંદિર, નગર ગેઈટ થઈને શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે. જેની તડામાર તૈયારીઓ માટે સંસ્થાના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.(૨-૨)

(12:12 pm IST)