Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ખંભાળીયામાં ૧૩ર કેવી વિજ સબ સ્ટેશન ઉપર વિજળી પડી : ભારે પવન ફુંકાતા વિજ થાંભલા-વાયરો તૂટ્યા

ર મહિલાઓનો ભોગ લેવાયો : ૯ પશુના મોતથી અરેરાટી

ખંભાળીયા : પ્રથમ તસ્વીરમાં વિજળી પડ્યાનો લાઇવ ફોટો અન્ય તસ્વીરમાં મૃતક મહિલાઓ તથા પશુઓ અને વિજ થાંભલા ધરાશાયી નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી, ખંભાળીયા)

ખંભાળિયા, તા. ૧ :  કાલે બપોરે પડેલ એક ભારે વીજળી ખંભાળીયામાં ચાર રસ્તા પાસે પી.જી.વી.સી.એલ.ના ૧૩ર કે.વી. સબ સ્ટેશન પર વીજળી પડતા ખંભાળિયા શહેર તથા ગ્રામ્યનો તમામ વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો.

તાલુકાના કેશોદ, વિજંલપર, ભાડથર, ધરમપુર વિ. ગામોમાં વ્યાપક પવન વીજળીને કારણે અનેક સ્થળે વીજવાયરો તૂટતા તથા કયાંક કયાંક થાંભલા પણ ખડતા વીજ પુરવઠો ગ્રામ્ય પંથકમાં આખી રાત સુધી અનેક સ્થળે ખોવાયેલો રહ્યો હતો જો કે વિધુત બોર્ડ તંત્ર ખાસ જહેમત કરીને ગામડાની મોટાભાગની જયોતિગ્રામના વીજ ફીડરો પૂર્વવત વીજ પુરવઠા ચાલુ કર્યા હતા તો વાડી વિસ્તારના ઘણા ફીડરો આજે ચાલુ થવા સંભાવના છે.

ખંભાળિયા તાલુકાના વીરમાડગામે ખેતરમાં કામ કરતા એક આહિર પરિવારના ઉપર વિજળી પડતા ખેડૂત પરિવારના પાલીબેન સગાભાઇ ડાંગર (ઉ.વ.૩પ) તથા કોમનબેન કરસનભાઇ ડાંગર (ઉ.૩૦) નામની બે આહિર મહિલાઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. જયારે કંચનબેન કરસનભાઇ ડાંગર (ઉ.૧૭) તથા મંજુબેન ખીમાણંદ ડાંગર (ઉ.૩૦) ને વીજળી પડતા ઇજા થતા બન્નેને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ખંભાળિયાના રામનગરમાં કીર્તિભાઇ રસીકભાઇ રાઠોડની ભેંસ મૃત્યુ પામી હતી જયારે ભીંડાના નારણ અરજણનંદાણીની ભેંસ, આહિર સિંહના કરસન જીવા કરમુટની એક પાડી વિઝલપરના માલદે દેવશી બંદિયાની બે ભેંસ, આખા દેવશી બંદિયાના બે બળદ તથા ભટગામના રામભાઇ રાગાભાઇ કારીયાની એક ભેંસનું મોત થયું હતું.

તાલુકામાં ભારે વિજળી સાથે તોફાની વરસાદ પડયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં તોફાન વગરનો એકથી દોઢ ઈંચ વ્યાપક વરસાદ પડયો હતો. તાલુકાના ગઢકા, ધતુરીયા, કલ્યાણપુર, જામરાવળ, હરિયા, રાજપરા, ડાંગરવડ, હરિપુર વિ. ગામોમાં વરસાદ પડયો હતો. જો કે સરકારી ચોપડે કંટ્રોલમાં કલ્યાણપુર જીલ્લામાં ૨૧ મીલી, ખંભાળીયામાં ૨૨ મીલી તથા દ્વારકામાં ૧૬ મીલી તથા ઝાલાવાડમાં ચાર મીલી નોંધાયો હતો.

શહેરમાં પણ નવાપરા તથા બંગળાવાડી વિસ્તારોમાં વિજળી પડતા બે મકાનોને નુકશાન થયુ હતું તો તાલુકાના કંડોરણા ગામે રામા રાજા ચંદ્રાવાડીયાના મકાન પર વિજળી પડતા નુકશાન થયુ હતું. જો કે સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

સતત બીજી વખત સમયસર વરસાદ આવતા ખેડૂતોની મોલાત માટે ખૂબ જ આશિર્વાદરૂપ આ વરસાદ પડયો છે.

બે-ત્રણ દિવસ વરસાદના વિરામ બાદ બીજો રાઉન્ડઃ ખંભાળીયાના કનુભાઈ કણઝારિયાની આગાહી

ખંભાળીયા, તા. ૧ :. બે દિવસ પહેલા જ ખંભાળિયાના વેધર એનાલિસીસ્ટ કનુભાઈ કણઝારિયાએ ૨૮ - ૨૯ માં વરસાદની આગાહી કરી હતી.

જેમા કાલે જ બપોરે વરસાદ આવ્યાનું અગાઉથી જણાવેલ જે સફળ રહ્યુ. આજે પણ થોડો વરસાદ પડશે તથા ફરી બે ત્રણ દિવસના વિરામ પછી પાછો વરસાદનો રાઉન્ડ આવશે. તા. ૭ સુધીમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે.

(1:21 pm IST)