Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોઠારીયા ચોકડીથી ખોખડદળ સુધીમાં અમુક શખ્સો દ્વારા બાયોડીઝલનું ગેરકાયદેસર બેફામ વેચાણની ફરીયાદ

એક જાગૃત નાગરિકે ધ્યાન દોર્યુઃ કારખાના વિસ્તારમાં ગંભીર ઘટનાનો સેવાતો ભય : કલેકટર તંત્ર-પૂરવઠા તંત્ર તાકિદે પગલા ભરે તેવી માંગણી

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ શહેરમાં કોઠારીયા ચોકડીથી ખોખડદળ પૂલ સુધીમાં મધુરમ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાના વિસ્તારમાં બાયોડીઝલનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યાનું એક જાગૃત નાગરીકે આજે 'અકિલા'ને જણાવ્યુ હતુ. સરકાર દ્વારા બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ આવા અમૂક શખ્સો કોઈપણ જાતની પરવા કર્યા વગર જ્વલનશીલ / બાયોડીઝલ નામના પદાર્થનું વેચાણ વિના રોકટોક કરી રહ્યા છે. આ તમામ ગેરકાયદેસરની પ્રવૃતિઓ રોકવા કલેકટર સમક્ષ અમારી માંગણી છે.

બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ નામના પદાર્થનું વેચાણ ગેરકાયદેસર રીતે ચાલુ રાખેલ છે જેના કારણે કારખાના વિસ્તારમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની શકે તેમ છે. આ વિસ્તારમાં આવેલ અમૂક કારખાનાના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતા વ્યકિતઓને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા રોકવાની સમર્થતા નથી. તેમજ આ કાર્ય રાત્રીના સમયે ખૂબ જ મોટાપાયે ચાલી રહેલ છે માટે આ ઈસમોને રોકવા અત્યંત જરૂરી અને આવશ્યક છે અને જો આવા ઈસમોને તાત્કાલીક ધોરણે રોકવામાં નહીં આવે તો ખૂબ જ મુશ્કેલી ઉભી થાય તેમ છે.

(4:14 pm IST)