Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અર્જુન મોઢવાડિયાના નિવેદનને વખોડી સણસણતો જવાબ

કોંગ્રેસનો હાથ સેવામાં લંબાતો નથી, પણ જીભ ગાળાગાળીમાં ચાલે છે : ભંડેરી - ભારદ્વાજ

રાજકોટ તા. ૩૦ : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને મોતના સોદાગર કહ્યા તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશે પણ અપશબ્દો બોલતા તેમના આ નિવેદનને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજે સખ્ત શબ્દોમાં વખોડી જણાવ્યું છે કે, અર્જુનભાઇ પોતાની ગરિમા ચૂકયા છે.

આ સમય રાજનીતિ કરવાનો નથી. કોંગ્રેસે મહામારીનાં સમયમાં ગરિમા ચૂકી આક્ષેપબાજીમાં ઉતરવું યોગ્ય નથી. પ્રજાની નજરમાંથી નીચે ઉતરી ગયેલી અને જનતા વચ્ચેથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસે આ સમયમાં લોકોની સેવામાં જોડાઈ જવું જોઈએ.

ગુજરાતની પ્રજા જયારે કોરોના વિરુદ્ઘની જંગ લડી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી આક્ષેપબાજી વ્યાજબી નથી. ગાળ અને ગલોચની આ પ્રકારની વાતો કોંગ્રેસે કરવી જોઈએ નહીં. સત્ત્।ાભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે તે અત્યંત નિરાશાજનક બાબત છે. કોંગ્રેસે પહેલા તેમના શાસિત રાજસ્થાન અને પંજાબનાં લોકોની શું સ્થિતિ છે તે જોવું જોઈએ પછી ગુજરાતની વાત કરવી જોઈએ. અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફ્રેસ દ્વારા જુઠ્ઠાણા ફેલાવ્યા છે, પોતાની અંદર રહેલું ઝેર ઓકયું છે. વાસ્તવિકતા તો એ છે કે મહામારીમાં કોરોના સંક્રમણ અટકે, રિકવરી રેટ વધે અને મરણનું પ્રમાણ ઘટે તે માટે રૂપાણી સરકાર સતત કાર્યરત હોવાનું શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાવ્યંુ છે.

વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપનાં મંત્રીઓ, નેતાઓ, અગ્રણીઓ, કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહીને અવિરતપણે સેવા આપી રહ્યાં છે. કોંગ્રેસનો એકપણ કાર્યકર કે નેતા ગુજરાતની પ્રજા વચ્ચે જઈને સેવા આપી હોય તે જોવા-જાણવા મળ્યું નથી.

આ કપરા કાળમાં કોંગ્રેસ પાસેથી જનતા કોઈ આશા-અપેક્ષા રાખી રહી નથી. કોંગ્રેસે ખરાબ અપશબ્દો અને ખોટા આક્ષેપો દ્વારા પોતાની બાકી બચેલી આબરૂ પણ ગુમાવી દીધી છે. ભાજપ જનતાની સાથે છે, જનતાની પડખે છે, જનતાનાં દુઃખમાં દુખી છે અને કોંગ્રેસ રાજકરણ રમી રહી છે.

આ સમય ચૂંટણીનો નથી એટલે પક્ષ નહીં પરંતુ પ્રજાનું વિચારવું જોઈએ. અર્જુનભાઈ મોઢવાડીયા સહિત કોંગ્રેસી નેતાઓએ પ્રધાનમંત્રી૪ મુખ્યમંત્રીથી લઈ ભાજપનાં કાર્યકરો૪ પેજપ્રમુખોની જેમ જનતાની સેવામાં જોડાઈ જવું જોઈએ અને જીભની જગ્યાએ હાથ ચલાવવા જોઈએ. કોંગ્રેસનો હાથ લોકોની સેવામાં કયારેય ચાલતો નથી. કોંગ્રેસની જીભ જ ચાલે છે. પ્રજાની સેવામાં ઉણા ઉતરવા બદલ સમગ્ર કોંગ્રેસે માફી માંગવી જોઈએ એવું ધનસુભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું છે.

(4:07 pm IST)