Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ચલ અકેલા ચલ અકેલા... સૂરસંસારના ગીતોએ ઝુમાવ્યા

સૂરસંસારના ૨૫માં વર્ષનો પ્રથમ કાર્યક્રમ સંપન્નઃ જુના સદાબહાર ગીતો ઉપર સંગીત પ્રેમીઓ મન મુકીને ઝુમ્યા : કુ.શિવાની ધુરીયા અને રજની ધુરીયાએ એકએકથી ચડીયાતા ગીતો રજૂ કરી હિન્દી ફિલ્મોના સુવર્ણકાળનું વાતાવરણ ખડુ કરી દીધુ હતું

રાજકોટનું લાજવાબ કોરસ વૃંદઃ રશ્મિ માણેક દ્વારા કાર્યક્રમનું મનમોહક સંચાલન

રાજકોટ,તા.૨૯: કોઈપણ સંસ્થા માટે સંળગ ૨૫ વર્ષનું સફળ સાતત્ય જાળવવું અશકય નહી તો કઠીન જરૂર છે. તાજેતરમાં રાજકોટની સુપ્રસિધ્ધ સંસ્થા 'સૂરસંસાર'નો ૨૫માં વર્ષનો પ્રથમ (સંળગ ૧૪૫મો) કાર્યક્રમ શાનદાર રીતે ઉજવાઈ ગયો. વર્ષ ૧૯૯૪થી શરૂ કરીને આજ દિવસ સુધી સંગીતના સફળ કાર્યક્રમો યોજતી આ સંસ્થાની સફળતા પાછળ આયોજકોની દીર્ધદ્રષ્ટ્રી, ગમતીલા ગીતોની પસંદગી અને સાદગીએ મુખ્ય ભાગ ભજવ્યો છે.

રાજકોટના સુવિખ્યાત હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે સૂરસંસાર સંસ્થાનો ૨૫માં વર્ષનો ગૌરવન્વિત પ્રથમ કાર્યક્રમ મંચ ઉપરથી કોઈ જ ઝાકઝમાળ વગર છતા સંગીતિક ભવ્યતા સાથે સમ્પન્ન થયો. કોઈ જ બીનજરૂરી સંભાષણો વગર જ ઓરકેસ્ટ્રા જગતનાં હરફનમૌલા કલાકારો વિવેક પાંડે (રફિ, મન્નાડે અને તલત મહેમુદનાં ગીતોનાં કલાકાર) પુણે, સલિમ મલ્લીક (મુકેશનાં ગીતોનાં કર્ણપ્રિય ગાયક) અમદાવાદ સાથે કુ.શિવાની ધુરિયા તથા શ્રીમતિ રજની ધુરિયા આવ્યા હતા. કુ.શિવાની લતાજી અને આશાજીનાં ગીતોની ગાયિકા છે. જયારે શ્રીમતિ રજની ધુરિયા શમશાદ બેગમ, નુરજહાંનો અદલ અવાજ ધરાવે છે.

કાર્યક્રમમાં પ્રારંભે પાર્શ્વ ગાયક મુકેશનુ  કંઠમાધર્યુ ધરાવતા સલિમ મલ્લીકે સદાબહાર ગીત ''મેરા જુતા હૈ જાપાની'' રજુ કર્યું અને ત્યારબાદ મુકેશનાં દર્દિલા કંઠે ગવાયેલું ''ચલ અકેલા ચલ અકેલા'' ગીત રજુ કરીને મુકેશની સ્મૃતિને સજીવન કરી દીધી. હિન્દી ફિલ્મનાં સૂવર્ણકાળનું વાતાવરણ ખડું થઈ ગયું.

સૂર સંસારનાં મંચ દ્વારા રાજકોટમાં પ્રથમવાર આવેલા કલાકાર વિવેક પાંડેએ મન્ના ડેએ ગાયેલ ''યારી હૈ ઈમાન મેરા'' ગીત રજુ કરીને પોતાના કંઠ અને કાબેલીયતનો પરિચય આપી દીધો. પોતાની ક્ષમતા દર્શાવતા ભાવ વૈવિધ્ય સાથે રફિએ ગાયેલું ''યાદ ન જાયે બીતે દિનોં કી'' ગીત રજુ કરીને ભાવકોનો જબરજસ્ત પ્રતિસાદ મેળવ્યો.

શ્રીમતી રજની ધુરિયાએ અદલ શમશાદ બેગમના અવાજની પ્રતિકૃતિ સમુ ''કાહે કોયલ શોર મચાયે રે'' પોતાના બુલંદ અવાજમાં રજુ કર્યું. કુ.શિવાની ધુરિયાએ લતાજીનું ગીત ''ઓ બસંતી પવન પાગલ'' રજૂ કર્યું. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા.

આ કાર્યક્રમ માટે વડોદરાથી કિબોર્ડ વિઝાર્ડ મયુર પટેલ તથા સાથીદારો આવ્યા હતા. 'સૂર સંસાર'ની વિશિષ્ઠ ગીતોની સ્ક્રીપ્ટને આ વાદકોએ સુંદર ન્યાય આપ્યો. સૂરસંસારનાં તાલિમબધ્ધ ગાયકોના કોરસવૃંદે પણ ખુબ સુંદર સંગાથ કર્યો. કેટલાંક ગીતો દરમ્યાન મુખ્ય ગાયકોએ ખુલ્લા હૃદયે કોરસવૃંદના ગાયકો દર્શિત કાનાબાર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રશ્મિબેન માણેકે સંભાળ્યું હતું. ધ્વની વ્યવસ્થા રાજકોટના ગણેશ સાઉન્ડે સંભાળી હતી.

મધ્યાંતર પૂર્વે સંસ્થાના મોભી ભગવતીભાઈ મોદીએ આડંબર રહિત, અલ્પ શબ્દોમાં વિતેલાં વર્ષો દરમ્યાન શ્રોતાઓનાં સહકાર અને પ્રતિભાવોની સરાહના કરી સાથે જ ૨૫ વર્ષની સફળતાનું શ્રેય પણ સંસ્થાના સહભાગીઓને અર્પણ કર્યું હતું. આ તકે સંસ્થાના કમિટિ મેમ્બર્સનો પણ અભાર માન્યો હતોે. આ વર્ષે પણ સર્વે સહભાગીઓએ સો ટકા મેમ્બરશીપ રિન્યુઅલ આપીને પોતાનાં વિશ્વાસનો પડઘો પાડયો હતો.

આગામી મહિનાઓમાં 'સૂરસંસાર'નો વિક્રમ સર્જક ૧૫૦મો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તે અંગે સભ્યશ્રીઓ તરફથી ઉત્સાહ પ્રેરક પ્રતિભાવો મળ્યા હતા.

મકકમ પગલે અગ્રસર સૂરસંસારનો ફરી વધુ એક કાર્યક્રમ સુમધુર યાદો સાથે સમ્પન્ન થયો.

રૌપ્ય જયંતિ વર્ષના પ્રારંભે યોજાયેલા કાર્યક્રમમાં સમાવિષ્ટ ગીતો

(૧) સલિમ મલ્લીકઃ- મેરા જુતા હૈ જાપાની, ચલ અકેલા ચલ અકેલા, તોહરે તાલ મીલે નદિ કે જલમે, ચલરી સજની અબ કયા સોચે, કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ

(૨) વિવેક પાંડે :- યારી હૈ ઈમાન મેરા યાર મેરી, યાદ ન જાયે બીતે દિનો કી, દિલ કે ઝરોકેમે તુઝકો બીઠા કર, કિસને ચિલમન સે મારા

(૩) રજની ધુરિયાઃ- કાહે કોયલ શોર મચાયે રે, એક દો તીન આજ મૌસમ હૈ, યે દુનિયા કી ચોર, દુનિયા કા મઝા લેલો

(૪) શિવાની ધુરિયાઃ- ઓ બસન્તી પવન પાગલ, શીશાએ દિલ ઈતના ના ઉછાલો, આગેભી જાને ના તુ.

(૫) શિવાની- રજની :- (ડયુએટસ) ગોરે ગોરે ઓ બાંકે છોરે.

(૬) વિવેક- શિવાની :- જો વાદા કિયા વો.

(૭) સલિમ- શિવાની :- ઈબ્તદાએ ઈશ્કમે.

(૮) શિવાની- રજનીઃ- કજરા મુહબ્બત વાલા.

(૯) સલિમ- વિવેક- રજનીઃ- ઈક દિન બીક જાયેગા.

(૧૦) સલિમ- રજનીઃ- યે મૌસમ રંગીન સમા.

(૧૧) વિવેક- સલિમ :- મેરા રંગ દે બસંતી ચોલા.

(૧૨) સલિમ- શિવાની :- વો સુબહા કભી તો આયેગી.

(૧૩) શિવાની- વિવેક પાંડેઃ- ઝૂમકા ગીરા રે.

(૧૪) વિવેક- રજનીઃ- મીલતે હી આંખે દિલ દુહુઆ.

(3:41 pm IST)