Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજકારણમાં મારું બહુ ચાલે છે, પટ્ટા-ટોપી ઉતરાવી નાંખીશ...પરેશ પટેલે પીએસઆઇ સામે સીન કર્યા

કુવાડવા રોડ પર વાહન ચેકીંગ વખતે પાનના ગલ્લામાં કામ કરતાં શખ્સે બહુ હવા કરી, પણ છેલ્લે ધરપકડ

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર વાહન ચેકીંગ વખતે સામા કાંઠાના પટેલ શખ્સે 'તમે મને રોકી જ કેમ શકો, કાગળીયા મારે નો બતાવવાના હોઇ, મારું રાજકારણમાં સારુ ચાલે છે, તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ, ફીટ કરાવી દઇશ...' તેવા સીન સપાટા કરી પીએસઆઇની ફરજમાં રૂકાવટ કરતાં તેને પોલીસ મથકે લઇ જઇ કાયદાનું ભાન કરાવાયું હતું.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ મયુરધ્વજસિંહ મહેન્દ્રસિંહ (એમ.એમ.) ઝાલાની ફરિયાદ પરથી મોરબી રોડ પર સત્યમ્ પાર્કમાં રહેતાં અને પાનના ગલ્લામાં કામ કરતાં પરેશ ધરમશીભાઇ દુધાગરા (પટેલ) (ઉ.૩૩) સામે આઇપીસી ૧૮૬ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે પીએસઆઇ એમ. એમ. ઝાલા, કોન્સ. રાજદિપસિંહ ચંદ્રસિંહ, હેડકોન્સ. જયેન્દ્રસિંહ ગનતાનસિંહ, રણછોડભાઇ લઘરાભાઇ, અજયભાઇ બાબુભાઇ, અજયભાઇ જીવકુભાઇ, મયુરસિંહ ગંભીરસિંહ એમ બધા યુનિફોર્મ પહેરી કુવાડવા રોડ મહાલક્ષ્મી ડેરી પાસે સાંજે છએક વાગ્યે વાહન ચેકીંગમાં ઉભા હતાં. આ વખતે ૮૦ ફુટ રોડ પરથી એક બાઇક આવતાં શંકાસ્પદ લાગતાં ચાલકે બાઇક ઉભુ રાખવા કહ્યું હતું. તેના નંબર જીજે૦૩જેએફ-૫૪૩૩ હતાં.

પોલીસે બાઇક રોકતાં જ ચાલકે 'તમે મને રોકી જ કેમ શકો? તમે મને ઓળખતા નથી હું કોણ છું?' તેમ કહેતાં તેનું નામ પુછી ગાડીના કાગળો માંગતા તે વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને 'મારી પાસે તમને કાગળીયા માંગવાની સત્તા નથી, તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ' તેમ કહેતાં પોલીસે તેને વિનમ્રતાથી સમજાવેલ કે પોતે કાયદેસરની ફરજ બજાવી રહ્યા છે. આમ છતાં એ બાઇક ચાલકે 'તમારાથી જે થાય તે કરી લેજો હું કાગળીયા નહિ જ બતાવું, જોવ છું મારું મોટર સાઇકલ અહિથી કોણ હટાવે છે?' તેમ કહ્યું હતું.

એ પછી ફરીથી તેનું નામઠામ પુછતાં તેણે જીન્સના પેન્ટમાંથી એક કાગળ રોડ પર ફેંકયો હતો. જે આરસી બૂક હોવાની ખબર પડી હતી. તેમાં જીજે૦૩એફએલ-૪૩૩૧ નંબર અને ચેસીસ એન્જીન નંબર હતાં તથા ઓનરનું નામ પરેશ ધર્મેશભાઇ દુધાગરા લખેલુ હતું. આથી તેને પોલીસે કહ્યું હતું કે આ આરસી બૂક બીજા વાહનની છે. તો તેણે 'ગમે તેની હોય છે તો ખરી ને, તમારે જે કરવું હોય તે કરો મારું રાજકારણમાં બહુ ચાલે છે, તમારી બદલી કરાવી નાંખીશ...મારું નામ પરેશ દુધાગરા છે, જો મારા વિરૂધ્ધ કાર્યવાહી કરશો તો હું તમને ફીટ કરાવી દઇશ' તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં તેને બાઇકમાં બેસાડી પોલીસ મથકે લઇ જઇ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:32 pm IST)